Abtak Media Google News

વિશ્વમાં હાલ બે યુદ્ધ યથાવત છે. એક યુદ્ધ રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે. જે પૂરું થવાનું નામ લઈ રહ્યું નથી. તેવામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા વિશ્વ આખુ ચોકી ઉઠ્યું છે. બીજી તરફ અમેરિકા પોતાનું જગત જમાદારનું પદ કાયમી રાખવા આધુનિક જમાનાથી પણ એક ડગલાં આગળનું સૌથી ઘાતક પરમાણુ હથિયાર બનાવવામાં વ્યસ્ત બન્યું છે.

અમેરિકા નવો પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.  અમેરિકન મીડિયા અનુસાર, નવો બોમ્બ જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા 24 ગણો વધુ શક્તિશાળી હશે.  યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેન્ટાગોને નવા બોમ્બની મંજૂરી અને ફંડિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.  નવો બોમ્બ બી 61 પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બનું આધુનિક સંસ્કરણ હશે, જેનું કોડનેમ બી61-13 છે.

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ફોર સ્પેસ ડિફેન્સ પોલિસી જ્હોન પ્લમ્બે નિવેદનમાં કહ્યું કે, ’આજની જાહેરાત બદલાતા સુરક્ષા વાતાવરણ અને વિરોધીઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.  યુનાઇટેડ સ્ટેટ્સની જવાબદારી છે કે તે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખે અને સંભવિત જોખમોને અટકાવે અને જો જરૂરી હોય તો જવાબી કાર્યવાહી કરીને અમારા સાથીઓને ખાતરી આપે. અમેરિકન મીડિયા અનુસાર, નવા પરમાણુ બોમ્બનું વજન 360 ટન હશે, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 24 ગણો મોટો હશે.  હિરોશિમામાં જે બોમ્બ છોડવામાં આવ્યો હતો તેનું વજન 15 કિલો ટન હતું.  નવો બોમ્બ જાપાનના નાગાસાકીમાં છોડવામાં આવેલા બોમ્બ કરતા 14 ગણો મોટો હશે.

નાગાસાકીમાં ફેંકવામાં આવેલો બોમ્બ 25 કિલોટનનો હતો.  આ ઉપરાંત, નવા બોમ્બમાં વધુ સારી આધુનિક સુરક્ષા અને ચોકસાઈ પણ હશે. અમેરિકાએ નવો પરમાણુ બોમ્બ બનાવવાની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાએ હાલમાં જ નેવાડામાં ન્યૂક્લિયર સાઈટ પર મોટા બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કર્યું છે.  તે જ સમયે, રશિયા પણ 1966ની સંધિમાંથી બહાર આવી ગયું છે, જેના હેઠળ વિશ્વભરમાં પરમાણુ બોમ્બ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  એવું કહેવામાં આવી રહ્યું છે કે નવો બોમ્બ જૂના બી61-7 બોમ્બનું સ્થાન લેશે, જેના કારણે અમેરિકાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો નહીં થાય પરંતુ પહેલાથી જ મોજૂદ ભંડાર વધુ ખતરનાક બની જશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.