Abtak Media Google News

૧૪૫ ઘરોમાં જઈ આરોગ્ય શાખાએ કર્યું ચેકિંગ: ૬૪ ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવતા દંડ ઝીંકાયો

સામાન્ય રીતે મચ્છરોના ઉપદ્રવને અટકાવવાની અને રોગચાળાને ઉગતો જ ડામી દેવાની જવાબદારી કોર્પોરેશનના શિરે છે. રાજમાર્ગો અને જાહેર સ્થળો પર બેફામ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પોતાના ઘર આંગણે જ દેખાતા મચ્છરોનો મારવાના બદલે હવે કોર્પોરેશનની આરોગ્ય શાખા લોકોના ઘેર-ઘેર જઈ મચ્છરોના ઉપદ્રવ અંગેનું ચેકિંગ કરી રહ્યું છે. શહેરીજનો સાવધાન થઈ જાય જો ઘરમાં એકપણ મચ્છર કે તેના પોરા દેખાશે તો કોર્પોરેશન દંડનો ધોકો ફટકારશે.

ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચાલુ સપ્તાહે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૪૫ ઘરોમાં મચ્છરોના ઉપદ્રવ અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૬૪ ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવતા મકાન માલીકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથો સાથ આરોગ્ય શાખાએ ધમકીભરી ભાષામાં એવી પણ તાકીદ કરી છે કે, જો કોમર્શીયલ વિસ્તાર કે રહેણાંક મકાનમાં મચ્છરોની ઉત્પતિ જોવા મળશે તો જવાબદાર વિરુધ્ધ આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન ૬૪ ઘરોમાં સીમેન્ટની ટાંકી, પાણીના બેરલ, કેરબા, પક્ષીકુંજ, ફૂલછોડના કુંડા, અગાસી, છજા, અગાસી પર ભરાયેલ વરસાદી, ફ્રીજની ટ્રે, ટાયર, ભંગાર અને ડિસ્પોઝેબલ કપ કે ડિસમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. ઘરમાં મચ્છરના પોરા જોવા મળશે તો રૂપિયા ૫૦ થી ૫૦૦ સુધીનો વહીવટી ચાર્જ ફટકારવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.