રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી

પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થનાસભા, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સફાઈ અભિયાન, સ્વચ્છતાના શપથ સહિતના અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઈ: પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી બે વર્ષ સુધી કરવામાં આવશે

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવનાર, અહિંસાના પુજારી રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની રાજકોટ સહિત રાજયભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ સર્વધર્મ પ્રાર્થનાસભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાંચન, સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કિર્તીમંદિર ખાતે પૂ.બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓ અહીં સર્વધર્મ પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. પૂ.બાપુની સમાધી રાજધાર ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ સહિત મહાનુભાવોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી આગામી બે વર્ષ સુધી કરવામાં આવશે. રાજકોટમાં બે દિવસ પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે ગાંધી જયંતિએ મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં ગાંધી પ્રેમીઓ ઉમટી પડયા હતા. અનેક ગામોમાં પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સવારે સાબરમતી ગાંધી આશ્રમ ખાતે હૃદયકુંજમાં પૂજય બાપુજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આજે ખાદી સરિતા (લો-ગાર્ડન) અમદાવાદ ખાતેથી ખાદી ખરીદી કરી હતી.મહાત્મા ગાંધીની આ ૧૫૦ વર્ષની જન્મ જયંતિની ઉજવણી બે વર્ષમાં કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયુબેલી બાગથી સાયકલ રેલી, જયુબેલી મહાત્મા ગાંધી પ્રતિમા ખાતે સ્વચ્છતાના સંદેશના શપથ, વિવિધ વિસ્તારોની મુલાકાત મહાનુભાવો દ્વારા લઈને સ્વચ્છતાની સમજ આપવાની કામગીરી સાંજે ૫:૩૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રાર્થનાસભા સાંજે ૬:૧૫ કલાકે મેયર દ્વારા સ્વચ્છતા એક સોચ, સ્વચ્છતા એક આદત થીમ સોંગ લોચીંગ કરશે.

મહાનુભાવોના વકતવ્યો અને સાંજે ૭:૦૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જાહેર જનતા માટે વિનામુલ્યે લેઝર શો ખુલ્લો રાખવામાં આવશે. રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના ૫૯૪ ગામોમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સફાઈ કરેલ જગ્યાએ મહાનુભાવો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાના શપથ લેવડાવવા અને જસદણ તાલુકાના ભાડલા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનો, સંગીત સંઘ્યાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

જિલ્લા પ્રાથમિક અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની ૯૦૨ પ્રાથમિક શાળામાં અને ૬૯૨ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સ્વચ્છતાના શપથ લેવડાવવાના વિગેરે કાર્યક્રમો યોજાશે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કોલેજો, યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન, સ્વચ્છતાના સંદેશા માટે સ્વચ્છતાના શપથ લેવડાવવા વિગેરે કાર્યક્રમો યોજાશે.

૧૫૦ જીવંત ગાંધીજીએ આપ્યો ગાંધીજીના જીવનનો સંદેશનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબાભાવે શાળા નં.૯૩ના ધોરણ ૫ થી ૮ના ૧૫૦ બાળકોએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી. ગાંધીજીના ૧૫૦ વિચારો રજુ કર્યા. શાળાના મેદાનમાં ભારતનો નકશો બનાવી ગાંધીજી બનેલા બાળકોને તે નકશા પર ઉભા રહી ગાંધીજીના વિચારો પર ચાલવાનો કર્યો સંકલ્પ અને ગાંધીમય ભારત બનાવ્યું હતું.