Abtak Media Google News

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે રેન્જ આઇ.જી., પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા સાથે સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યમાં આર્થિક અને સામાજિક વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. રાજ્યના લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ વધુ મક્કમતા અને વિશ્વાસ સાથે તે દિશામાં કાર્ય કરે તે જરૂરી છે. રાજ્યમાં કોવિડની મહામારીમાં લોકડાઉન અને અનલોક દરમિયાન ગુજરાત પોલીસે લોકોનો વિશ્વાસ જીત્યો છે. પોતાના જીવના જોખમે પણ ફરજ બજાવીને પોલીસ પ્રજા મિત્રની ભૂમિકા અદા કરી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે જિલ્લાના પોલીસ વડા, રેન્જ આઇ.જી. અને શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં શાંતિ અને વિકાસશીલ રાજ્ય તરીકેની ઓળખ ધરાવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પરિણામે ગુજરાતનો વિકાસ સોળે કલાએ ખીલ્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયથી જ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કડક વ્યવસ્થાના પરિણામે ગુજરાતમાં વિદેશી રોકાણોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કાયદાનું શાસન જળવાઇ રહે તે માટે પોલીસે વધુ કડક હાથે કામ કરવું પડશે. પોલીસની કડક છાપના કારણે લોકો-સમાજમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધતો હોય છે. કેન્દ્ર સરકારના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પણ દર્શાવે છે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જવું છે. ગુજરાત પોલીસના આધુનિકરણથી ગુનાઓમાં ઘટાડો થયો છે અને ગુનેગારોમાં ડર પેદા થયો છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે ગુજરાત પોલીસમાં નવી ભરતી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ જાળવવામાં રેન્જ કક્ષાના અધિકારીઓ પોતાના જિલ્લાઓના લક્ષ્યાંકો નક્કી કરે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણા જિલ્લામાં આરોપીઓની અટક, લાપતા બાળકોને શોધી કાઢવા, મહિલાઓને વધુ સુરક્ષીત બનાવવા યોગ્ય આયોજન, પ્રોહિબિશનની કામગીરી વધુ સુદ્રઢ બને અને કન્વિક્શન રેટમાં વધારો તે દિશામાં પોલીસે સતત કાર્યરત રહેવું પડશે. ગંભીર કેસના ગુનેગારોને શોધી કાઢવા માટે યાદી તૈયાર કરીને સમગ્ર તંત્રને તે દિશામાં કામે લગાડવું જોઇએ. પોલીસે સંપૂર્ણ કડકાઇથી કામ કરીને પ્રજા હિતમાં વધુ વિશ્વાસ કેળવવો પડશે તેમ તેમને ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસને અદ્યતન સાધનો અને સીસીટીવી નેટવર્કથી સજ્જ બનાવી છે અને જરૂર પડશે તો વધુ બજેટ પણ ફાળવવામાં આવશે. પોલીસમાં ભરતી થનાર નવા યુવાનોનો આઇ.ટી.માં ઉપયોગ કરીને તેમની કુશળતાનો તંત્રે લાભ લેવો જોઇએ. ગુજરાત સરહદી રાજ્ય હોવા છતાં છેલ્લા ૧૫ વર્ષથી આતંકી ગુનાઓ રોકી શક્યા છીએ જેમાં ગુજરાત અઝજની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે.

ગુજરાતનો દરિયા કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો હોય તેને વધુ સુરક્ષિત કરવો પડશે. તેમને કહ્યું હતું કે, ગુજરાતના મહાનગરો અને જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ થતા અટકે તે દિશામાં નવનિયુક્ત પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓએ વિશેષ યોજના બનાવીને કડક હાથે કામ લેવુ પડશે. માથાભારે તત્વો ઉપર કડક કાર્યવાહી કરીને પ્રજામાં પોલીસ પ્રત્યે એક હકારાત્મક મેસેજ અને વિશ્વાસ વધે તે દિશામાં સાથે મળીને કામ કરવું પડશે.  ગુજરાત પોલીસે કોરોના મહામારી, પૂર, વરસાદ જેવી આપત્તિમાં હંમેશા પ્રજાને પડખે રહીને તેનો ભરોસો જીત્યો છે તે બદલ મુખ્યમંત્રીએ અભિનંદન આપીને આ દિશામાં વિશ્વાસ જળવાઇ રહે તે રીતે કામ કરવા પોલીસ અધિકારીને અનુરોધ કર્યો હતો.

રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પહેલા અને કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયે કોરોના વોરિયર્સ પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. કોરોના સમયે ફરજ બજાવતા ગુજરાત પોલીસના ૧૭ જેટલા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, પોલીસે લોકડાઉન દરમિયાન કર્ફ્યુ, ક્ધટેનમેન્ટ ઝોન, સામાજિક અંતર જાળવવું જેવી વ્યવસ્થામાં ત્વરીત કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ શાંતિ, સલામતી, સુરક્ષા જાળવવા તેમજ ઝીરો ટોલરન્સની નીતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સીસીટીવી નેટવર્ક હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટનો અમલ, પ્રોહિબિશનની કડક કામગીરી, ગૌવંશ હત્યા અટકાવવી, ચેન સ્નેચિંગના ગુનામાં સાત વર્ષની સજા, મરીન ટાસ્ક ફોર્સની રચના, પોલીસમાં નવી ભરતી, પોલીસને આધુનિક તાલીમ, સાયબર ક્રાઇમ અટકાવવા નવા પોલીસ સ્ટેશન, રાજ્યના યુવાધનને નશાનો ભોગ બનતુ અટકાવવા ગઉઙજ એક્ટનો કડક અમલ, પોક્સો એક્ટનો કડક અમલ જેવી કામગીરીના ભાગરૂપે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્યમ સચિવ સંગીતા સિંઘ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન તેમજ વિવિધ જિલ્લાઓમાં રેન્જ આઇ.જી., પોલીસ કમિશનરઓ તેમજ જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.