Abtak Media Google News

સંગઠનને મજબૂત કરવાની હાંકલ સાથે કાર્યકરો સમક્ષ સરકારની 100 દિવસની કામગીરીનો રિપોર્ટ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

રૂ 9.34 કરોડના ખર્ચે સ્થાપિત મશીનથી દર્દીઓની તકલીફોનું નિદાન તથા સારવાર કરવામાં સરળતા: હાલ ઓપીડી સમય પ્રમાણે રહેશે કાર્યરત

 

Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે અખાત્રીજના શુભ દિવસે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઈ. (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ) મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેનો સિવિલ હોસ્પિટલમાં આવતા જરૂરતમંદ દર્દીઓ લાભ લઇ શકશે. રૂ.9.34 કરોડના ખર્ચે નવનિર્મિત ટેસ્લા 1.5 મશીન લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી તથા રેડિયોલોજી વિભાગના હેડ ડો.અંજના ત્રિવેદી, તેમજ સિવિલના સ્ટાફે પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા રૂ. 9.34 કરોડના ખર્ચે મે.સિમેન્સ ઈન્ડિયા પ્રા.લિ.નું લેટેસ્ટ ટેકનોલોજીવાળું 1.5 ટેસ્લા એમ.આર.આઈ. મશીન રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જેના કારણે દર્દીઓને મગજ તથા શરીરના અન્ય ભાગોના ફોટા પાડવામાં મદદ મળશે, અને દર્દીઓની તકલીફોનું નિદાન તથા સારવાર સરળતાથી થઈ શકશે.

સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગ પીએમએસએસવાય ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર એમ.આર.આઇ. મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં દર્દીઓને રાહત દરે એમઆરઆઇની સુવિધાઓ મળી રહેશે. જેના માટે દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત હાલ એમ.આર.આઇ. વિભાગ ઓપીડી સમય પ્રમાણે કાર્યરત રહેશે. જેમાં સોમથી શુક્ર સવારે 9 વાગ્યેથી સાંજના 6 વાગ્યા સુધી અને રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ તકે સાંસદો મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા,દર્શિતાબહેન શાહ, મેયર પ્રદીપભાઈ ડવ, રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલ, .ડી.સી.પી. સુધીર દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, અધિકારી સંદીપ વર્મા, અગ્રણીઓ ભરત બોઘરા, કમલેશ મિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

દર્દીઓ માટે કહેવાતી રાહત કે શું??

રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે એમ.આર.આઈ. મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં દર્દીઓને રાહત દરે એમઆરઆઇની સુવિધા આપવામાં આવશે. પરંતુ સરકારના ઠરાવ દ્વારા જે મૂલ્યો નક્કી કરવામાં આવ્યા છે તે અને ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્ય ડાયગ્નોસ્ટિક સેન્ટરના મૂલ્યોમાં કંઈ વધુ તફાવત ન હોવાથી શું દર્દીઓ માટે આ ખરેખર રાહત છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.