Abtak Media Google News
 • બે સિઝીરીયન કરેલી  હોય, બી.પી., હિમોગ્લોબીન અને વજન ઓછુ હોય તેવી સગર્ભાઓ લાભાર્થીઓની યાદીમાં સામેલ
 • ઝનાના હોસ્પિટલમાં સ્પે. વોર્ડ ઉભો કરી ક્રિટીકલ સગર્ભાઓ માટે 30 બેડની ફાળવણી
 • 14 દિવસમાં  18 મહિલાઓએ યોજનાનો લાભ લીધો: સરકાર દ્વારા રૂ.15 હજારની સહાય

શહેરમાં સિવિલ હોસ્પિટલની નજીક ઉભી થયેલી અધ્યતન ઝનાના હોસ્પિટલનું ગત 25 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે પ્રસૂતાઓને પ્રસુતિ વેળાએ જે અગવડો ઊભી થતી તેને નિવારવા માટે આ હોસ્પિટલ નું નિર્માણ કર્યું છે. જો ઝનાના હોસ્પિટલની કામગીરીની વાત કરવામાં આવે, તો લોકાર્પણ થયાના પ્રથમ માસ બાદ આશરે 646 જેટલી સફળ પ્રસુતીઓ કરવામાં આવી ચુકી છે.

Advertisement

ઝનાના હોસ્પિટલના નિર્માણ થયા બાદ અહીં પ્રસુતાઓનો ઘસારો પણ વધ્યો છે. હોસ્પિટલના વાતાવરણ અને અધ્યતન સુવિધાઓના કારણે સૌરાષ્ટ્રભરમાંથી પ્રસુત્તાઓ અહી સારવારનો લાભ લેવા આવે છે.પરંતુ ગુજરાત રાજ્યમાં હજુ પણ એક લાખ જીવિત જન્મેલ બાળકોની સરખામણીએ 57 ટકા માતૃમરણ નોંધાય છે. ગુજરાતમાં માતૃ મરણ આંકની અગાઉની ગંભીર સ્થિતિની સરખામણીએ હાલમાં ઘટાડો નોંધાયો છે. માતૃ મરણ અને બાળમરણના આંકડામાં વધુ ઘટાડો લાવવા, રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.જે થકી વિવિધ યોજનાઓનું નિર્માણ અને અમલવારી કરવામાં આવી છે. તો એવી જ એક યોજના વિશે વધુ માહિતી મેળવીએ.

અતિ જોખમી સગર્ભા યોજના એટલે શું ???

રાજ્ય સરકાર દ્વારા પ્રસુતિ સમયે થતા માતૃ મરણ અને બાળમરણ માં ઘટાડો લાવવાના હેતુથી, એક નવી યોજના બહાર પાડવામાં આવી છે.આ યોજનાની તા. 01 એપ્રિલ, 2024ના રોજ અમલવારી શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો લાભ લેવા બદલ પ્રસુતાઓ માટે 12 માપદંડો રાખવામાં આવ્યા છે. જેના આધારે પ્રસૂતાઓ આ યોજનાની લાભાર્થી છે કે નહિ તે નક્કી કરવામાં આવશે.તો જાણીએ શું છે આ  માપદંડો?

A New Initiative By The State Government To Prevent Child And Maternal Mortality
A new initiative by the state government to prevent child and maternal mortality

અતિ જોખમી સગર્ભા યોજનાના લાભાર્થી બનવા માપદંડો નિમાયા

જો આ બાર માપદંડોની શ્રેણીમાં સગર્ભાવ આવતા હોય, તો એ સગર્ભા ની સારવાર મેડિકલ કોલેજ સ્તરે કે જીલ્લા હોસ્પિટલ સ્તરે કરવામાં આવે છે. શું છે આ 12 માપદંડો ? આવો જાણીએ તેના નિયમો વિશે…..

 • જે સગર્ભાનું હિમોગ્લોબીન 5% થી ઓછું બે વાર નોંધાયું હોય, તે સગર્ભાને આ યોજનાના લાભાર્થી કહી શકાય.
 • જે સગર્ભાનું બ્લડપ્રેશર વધારે છે. તબીબની તપાસ દરમિયાન 170 કે 180 થી વધુ બ્લડપ્રેશર ત્રણ વાર નોંધાય છે, ત્યારે સગર્ભા આ યોજનાના લાભાર્થી બને છે.
 • આ ઉપરાંત ગર્ભ ધારણ કરેલું હોય ત્યારે હાથે અને પગે સોજા હોય કે અન્ય ગંભીર લક્ષ્યો વર્તાય ત્યારે તેને લાભાર્થી કહી શકાય.
 • સગર્ભા ને કોઈ સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા કે હિમોફીલિયા જેવી બીમારી હોય,ત્યારે તે આ યોજનાના લાભાર્થી બને છે.
 • આ ઉપરાંત સગર્ભાની કુખમાં ત્રણ બાળકો એકસાથે ઉછરી રહ્યા હોય,ત્યારે પણ તે સગર્ભા આ યોજનાનો લાભ લેવા પાત્ર બને છે.
 • જો સગર્ભાને કિડનીને લગતી બીમારી છે,તો પણ એ ધરતી આ યોજનાના લાભાર્થી કહી શકાય.
 • જે સગર્ભાને હૃદય ને લગતી બીમારી છે,તે પણ યોજનાના લાભાર્થી બનવા પાત્ર છે.
 • આ ઉપરાંત એવા સગર્ભા કે જેને અગાઉ બે સિઝેરિયન થઈ ચૂક્યા છે, તેવા સંજોગોમાં પણ તે આ યોજનાના લાભાર્થી બનવા પાત્ર છે.

યોજનાની કામગીરી અને સગર્ભાને થતા લાભા-લાભ

આ યોજના અંતર્ગત લાભાર્થીની સારવાર મેડિકલ કોલેજસ્તરે અથવા તો જિલ્લાની હોસ્પિટલમાં કરવામાં આવે છે. જો સગર્ભા તેની ડિલિવરી થયા બાદ સાત દિવસનું રોકાણ હોસ્પિટલમાં કરે તો સરકાર દ્વારા તેના બેંકના ખાતામાં રૂ/- 15,000 ની સહાય પૂરી પાડવામાં આવે છે.

મેડિકલ કોલેજ સ્તરે સિવિલ સુપરિટેન્ડેન્ટના સહકારથી આ યોજનાની અમલવારી થયા પૂર્વે તબીબો દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં એક સરેરાશ આંકડો નક્કી કરી તે મુજબ ઝનાના હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આ યોજનાના લાભાર્થી સગર્ભાઓ માટે 30 બેડની વ્યવસ્થારૂપે એક અલગ વોર્ડ ફાળવવામાં આવ્યો છે. જે વોર્ડને આ યોજનાના લાભાર્થી માટે અલાયદા કરવામાં આવ્યો છે.હજુ જેમ આ યોજના અંગે લોકોમાં વધુ જાગૃતતાનો ફેલાવો કરવામાં આવશે,એમ વોર્ડની વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવશે. જે-તે યોજનાની જ્યારે અમલવારી કરવામાં આવે છે, ત્યારે સમાજમાં તેની જાગૃતતા ફેલાવવી એ ખૂબ જ અગત્યની ભૂમિકા છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો તથા એચઓડી અને ગાયનેક વિભાગના તબીબો આ ઉપરાંત નર્સિંગ સ્ટાફને આ યોજના બાબતે વધુ અવગત કરવામાં આવ્યા. અલગ વોર્ડ ફાળવણીની સાથે વોર્ડ બહાર અતિ જોખમી સગર્ભા લખેલું એક સ્ટેમ્પ પણ લગાડવામાં આવ્યું છે, જેથી જ્યારે બ્લડ ઇન્વેસ્ટિગેશન અને તબીબો દ્વારા દર્દીનું કરવામાં આવતું રેફરન્સથી માંડીને કોઈપણ જાતની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરવાની થાય,તો તેને સર્વપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે એવું સૂચન પણ સિવિલ અધીક્ષક દ્વારા સ્ટાફને આપવામાં આવ્યું છે. અત્રે સારવાર લેવા આવનાર સગર્ભાનું એક રજીસ્ટર પણ અલગથી નિમવામાં આવ્યું છે, જેથી આવા તત્કાલીન કેસોમાં કોઈ દર્દીની માહિતીની તબીબને તત્કાલીન ધોરણે જરૂરિયાત જણાય તો રજીસ્ટર દ્વારા દર્દીની સંપૂર્ણ માહિતી મળી રહે,જે ખૂબ જ આવશ્યક કામગીરીના ભાગરૂપ છે.

યોજના અંતર્ગત અત્રે સારવાર માટે આવેલી સગર્ભાઓની નિ:શુલ્ક જમવા રહેવાની સુવિધા બાદ સાત દિવસનું ફરજિયાત રોકાણની વ્યવસ્થા પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. સાત દિવસ્ય રૂમાલ બાદ સગર્ભાના બેંકના ખાતામાં રૂ 15,000/- ની સહાયની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં સગર્ભા જે તે તાલુકા કે જિલ્લાથી અત્રે રિફર કરવામાં આવ્યા હોય, ત્યારે તેના પરિવહનની સંપૂર્ણ જવાબદારી પણ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સાથે જ ડિલિવરી થયા બાદ બાળક અને માતાને પરત ઘર સુધી મૂકી જવા માટે પણ ખિલખિલાટ વાનની વ્યવસ્થા ઝનાના હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવે છે.

યોજનાની અમલવારી પૂર્વે મેડિકલ વિભાગની પૂર્વ તૈયારીઓ

આ યોજના બાબતે વધુ જાગૃતતા ફેલાવવા માટે ગત તા. 28 ના રોજ એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સુપ્રિટેન્ડેન્ટ અને એચ.ઓ.ડી. ને આ યોજના બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. એની સાથે જ જિલ્લા સ્તરે પણ જાગૃતતા ફેલાવવા માટેની અલગથી બેઠકનું આયોજન કરવામાં આવી. આ ઉપરાંત વિભાગીય સ્તરે એટલે કે જે-તે મેડિકલ કોલેજ કરે અને ડિસ્ટ્રીક હોસ્પિટલ સ્તરે આ યોજના અંગેની જાગૃતતા ફેલાવવાનું કામ પણ કરવામાં આવ્યું છે. જેથી વધુ બોહળા પ્રમાણમાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે. જે દર્દીઓ જે-તે ગામ,તાલુકા કે જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

તેને પીડીયુ મેડિકલ કોલેજ અથવા તો જે- તે મેડિકલ કોલેજ એ લાવવાનું કાર્ય કરવામાં આવે છે. જેમાં પણ રાજકોટની જિલ્લા પંચાયત થી સગર્ભાની માહિતી મળી રહે એ માટે એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેનું નામ ડિસ્ટ્રિક્ટ હાઈ રિસ્ક એ.એન.સી. છે. ગ્રુપમાં જિલ્લા પંચાયતના વિવિધ અધિકારીઓ,તાલુકા હેલ્થ ઓફિસર અને પીડીયુ મેડિકલ કોલેજના ગાયનેક તબીબોનો સમાવેશ થાય છે.આ વોટસએપ ગ્રુપ થકી જે-તે ગામ,તાલુકા કે જિલ્લાથી આ યોજનાના લાભાર્થી સગર્ભાને મેડિકલ કોલેજ સ્તરે અથવા જિલ્લા હોસ્પિટલ સ્તરે રિફર કરવામાં આવે છે. જેને 108 દ્વારા અત્રે લાવવામાં આવે છે.

જેમાં દર્દી લાભાર્થી જ્યારે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે થી મેડિકલ કોલેજમાં રીફર થાય છે,ત્યારે જે તે વિસ્તારના આશા બહેને બનાવી આપેલ મમતા કાર્ડ અને તેના ટેકો આઈડી દ્વારા સગર્ભાની માહિતી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ દર્દી કઈ 108 માં બેસીને અત્રે લાવવામાં આવ્યું તેવી ઝીણવટભરી માહિતી પણ ટેકો આઈડી થકી તબીબને મળી રહે છે. આ માહિતીને વોટસએપ ગ્રુપ થકી પહોંચાડવામાં આવે છે. જેમાં દર્દીની સંપૂર્ણ માહિતીને આવરી લેવામાં આવે છે. દર્દીની સફળ પ્રસુતિ થયા બાદ જો દર્દી સાત દિવસનું સફળ રોકાણ કરે છે, તો ગાયને એક વિભાગના વડા અધિકારી દર્દીની સફળ ડિલિવરી અંગેનું ચોક્કસ આપે છે. ત્યારબાદ જ તેના બેંકના ખાતામાં સહાય રાશિ દાખલ થાય છે.

યોજનાની અમલવારી થયા બાદ લાભાર્થી સગર્ભાઓ અને તેના અનુભવો

ગત તા. 1, એપ્રિલ, 2024 ના આ યોજનાની અમલવારી થયા બાદ કુલ 18 પ્રસૂતાઓ આ યોજનાની લાભાર્થી થઈ ચૂક્યા છે. જેમાંથી બે પ્રસ્તુતાઓને સાત દિવસના રોકાણ પછી જનાના હોસ્પિટલથી સફળ પ્રસુતિ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટની ઝનાના હોસ્પિટલની વાત કરવામાં આવે તો,તેને આઠથી વધુ જિલ્લાઓ લાગુ પડે છે. સૌરાષ્ટ્રનું હાર્દ એવી ઝનાના હોસ્પિટલમાં જે-તે જિલ્લા કક્ષાના દર્દીઓ અત્રે સારવાર લેવા માટે આવે છે. ઝનાના હોસ્પિટલનું ગાયનેક વિભાગ એ સતત 24/7 ની કામગીરી કરે છે. જે અદ્યતન સુવિધાથી સંપન્ન છે કે, જે સામાન્ય કે જોખમી પ્રસ્તુતાઓને સારવાર પ્રદાન કરવા હરહંમેશ તત્પર રહે છે.

સારવાર દરમિયાન કોઈ  જાતની અગવડ અનુભવી નથી: દક્ષાબેન અગ્રાવત લાભાર્થી પ્રસુતા

દક્ષાબેન લાલદાસ અગ્રાવતએ જણાવ્યું કે, આ યોજના થકી મને સારવાર દરમિયાન કોઈ પણ જાતની તકલીફ પડી નથી.આ મારું ત્રીજી ડિલિવરી છે,ને આ પ્રસુતિ પૂર્વે બે સિઝીરિયન કરાવ્યા છે.જેથી હું આ યોજનાની લાભાર્થી થવાની પાત્રતા ધરાવું છું.ઝનાના હોસ્પિટલના તબીબથી માંડીને નર્સિંગ સ્ટાફના કર્મચારીએ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો છે.મારું બાળક અને હું અમે બંને હાલ સ્વસ્થ્ય અવસ્થામાં છીએ. હું મૂળ જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું.અહી પ્રસુતિ સમયગાળા દરમિયાન જમવા,રહેવા થી લઈને સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરવામાં આવી છે.એટલું જ નહિ જેતપુરથી રાજકોટ સુધી મને એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવી હતી. આ ઉપરાંત 7 દિવસના રોકાણ બાદ સરકાર દ્વારા 15 હજાર ની સહાય પૂરી પાડવામાં આવશે.

ઝનાના હોસ્પિટલમાં લાભાર્થી દર્દી માટે 30 બેડની ફાળવણી કરવામાં આવી છે: ડો. આર. એસ. ત્રિવેદી

સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી માતા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક નવી યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલને સંલગ્ન ઝનાના હોસ્પિટલ બનાવવામાં આવી છે.જેની કામગીરી ગરીબ પ્રસૂતાઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.આ યોજના થકી સગર્ભાઓને પ્રસુતિ વેળાએ જે ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે ,તેને નિવારવા માટે આ યોજનાની અમવારી કરવામાં આવી છે.આવી ગંભીર સ્થિતિમાં સગર્ભાની સારવાર માટે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ નિમવામાં આવ્યા છે.આ યોજનાનું નામ અતિ જોખમી સગર્ભા યોજના છે.જેના માટે ઝનાના હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 30 જેટલા બેડની પણ ફાળવણી કરવામાં આવી છે.

સગર્ભાની દેખભાળની જવાબદારી તેની એકની નહિ, પરંતુ સમગ્ર પરિવારની છે: ડો. કમલ ગોસ્વામી

ગાયનેક વિભાગના વડા અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માતૃ મરણ ઘટાડવા બાબતે હજુ આપણે સૌને સગર્ભા મહિલાઓની સુરક્ષા બાબતે કાળજી લેવી અનિવાર્ય છે. સગર્ભાઓએ પેટમાં બાળક જ્યારે ઉછરી રહ્યું હોય ત્યારે, નિયમિત તપાસ તથા ધનુરના નિયમિત ઇન્જેક્શન લેવા જોઈએ. આ ઉપરાંત બ્લડ પ્રેશર તથા હિમોગ્લોબીનની નિયમિત તપાસ કરાવવી જોઈએ. સગર્ભા મહિલાઓની કાળજી લેવાની જવાબદારી એકમાત્ર તેની પોતાની જ નહિ પરંતુ સમગ્ર પરિવારની હોય છે.આ યોજનાનો વધુ ને વધુ ફેલાવો થવો જોઈએ જેથી બાળ મૃત્યુ અને માતૃ મરણ આંકમાં ઘટાડો નોંધાય અને બાળક અને માતા બંને સ્વસ્થ જીવન નિર્વાહ કરી શકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.