Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું કર્યુ, વાઇબ્રન્ટ થકી અનેક મોટા ઉદ્યોગો આજે ગુજરાત આવ્યા: જીસીસીઆઈના વાર્ષિક સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ઉદ્યોગપતિઓને સંબોધન

ગુજરાત જી20ની 15 ઈવેન્ટ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે અને તેમાં ભાગ લેવા માટે ગુજરાત સ્થિત ઉદ્યોગોએ આગળ આવવું જોઈએ, એમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે રાજ્ય પાસે સલામતી અને સુરક્ષા છે જે આર્થિક વિકાસ માટે જરૂરી છે.

Advertisement

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો . જેમાં ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજય પણ ગુજરાત છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તમે તમારી જવાબદારી નિભાવી છે હવે અમે અમારી જવાબદારી નિભાવીશું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે ભરોસો તમે અમારા પર મૂક્યો છે એ ભરોસો તૂટવા નહિ દઈએ.

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. વાઇબ્રન્ટ થકી અનેક મોટા ઉદ્યોગો આજે ગુજરાત આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરક્ષાની દૃષ્ટિએ પણ ગુજરાત આજે નંબર વન પર છે. મુખ્યમંત્રીએ વધુ ઉમેરતા કહ્યું હતું કે, આજે તમામ નાના મોટા ઉદ્યોગો અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતે ઉત્કૃષ્ઠ કામ કર્યું છે. ભારત જી20 નું આયોજન કરી રહ્યું છે અને ગુજરાતમાં 15 ઈવેન્ટ્સ યોજાશે અને તેમાં ઉદ્યોગોએ ભાગ લેવો જોઈએ.

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાતે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને અન્ય રાજ્યો ગુજરાત મોડલને અપનાવી રહ્યા છે. અમે સ્માર્ટ જીઆઇડીસી એસ્ટેટ વિકસાવવા જઈ રહ્યા છીએ. અમે સામાન્ય સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેથી ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય.  દર ચાર મહિને ઉદ્યોગો સાથે બેઠક યોજવામાં આવશે અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. અમારું ધ્યાન ઉદ્યોગો માટે કુશળ માનવબળ વિકસાવવા પર રહેશે.”

જીસીસીઆઈના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સૌથી વધુ ઔદ્યોગિક રાજ્ય છે અને સૌથી વધુ નવા રોકાણો મેળવે છે. ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપશે. ગુજરાત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે રાજ્ય સરકાર તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.