Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ નજીક ગણવામાં આવતા કે કૈલાશનાથનને સરકારે 11મી વખત એક્સ્ટેન્શન આપ્યું છે. તેથી કૈલાશનાથન વધુ છ મહિના માટે ગુજરાત સરકારના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીના પદ પર રહેશે. ગુજરાતમાં સમયાંતરે મુખ્યમંત્રીઓ બદલાતા રહે છે પરંતુ કૈલાશનાથન સૌથી સ્થિર છે. 1979ની બેચના આઈએએસ અધિકારી કૈલાશનાથનને 2013થી નિયમિત એક્સ્ટેન્શન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ તેમના ચીફ સેક્રેટરી હતા.

મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા પણ કૈલાશનાથન યથાવત, હવે 6 મહિના બાદ મોદી કેન્દ્રમાં બોલાવી લ્યે તેવી અટકળો

કૈલાશનાથનને કે કે તરીકે પણ ઓળખવામાં આવે છે. જોગાનુજોગ, હવે તેમનું એક્સ્ટેન્શન પૂરું થશે ત્યારે જ કેન્દ્ર સરકારમાં પણ નવી સરકાર આવી હશે. તેથી તેઓ છ મહિના પછી કેન્દ્રમાં જઈ શકે છે તેવી પણ અટકળો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બને તો તે સમયે કૈલાશનાથનને કદાચ કેન્દ્ર સરકારમાં મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.

કૈલાશનાથન મે 2023માં રિટાયર થયા હતા. તે અગાઉ તેમણે 33 વર્ષ સેવા આપી હતી જેમાં છેલ્લે તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી હતા. તેઓ લો પ્રોફાઈલ રહેવા માટે જાણીતા અધિકારી છે અને મોદીએ તેમને ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીના હોદ્દા પર નિયુક્ત કર્યા હતા. ત્યાર પછી દર વખતે તેમને એક્સ્ટેન્શન મળતું રહ્યું છે. અત્યાર સુધીમાં તેઓ નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને ભુપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા છે પરંતુ કે કે તેમની જગ્યા પર જ છે.

કૈલાશનાથન આઈએએસ બન્યા ત્યાર પછી સૌથી પહેલા 1981માં આસિસ્ટન્ટ કલેક્ટરની પોસ્ટ મળી હતી. તેઓ 1985માં સુરેન્દ્ર નગરના કલેક્ટર અને 1987માં સુરતના કલેક્ટર હતા. ત્યાર પછી તેઓ 1999થી 2001 દરમિયાન અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરના પદ પર પણ હતા. તેમણે બીઆરટીએસ પ્રોજેક્ટને પણ ચેરમેન તરીકે સંભાળ્યો હતો. કૈલાશનાથનના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં એમએસસી કર્યું હતું અને ત્યાર પછી યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી એમએ વિથ ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી. કૈલાશનાથન મીડિયાથી હંમેશા દૂર રહે છે તેથી તેમના વિશે બહુ ઓછી વાતો બહાર આવે છે અને તેઓ ક્યારેય કોઈ વિવાદમાં પણ પડ્યા નથી. તેઓ નરેન્દ્ર મોદીનો ભરોસો જીતવામાં ખાસ સફળ રહ્યા છે.

હાલમાં ગુજરાતમાં કેટલાક મહત્ત્વના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે જેની સાથે કે કૈલાશનાથન સીધી રીતે સંકળાયેલા છે. તેમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.