Abtak Media Google News

બે સંતાનના પિતા સાથેના સંબંધથી એક બાળકને જન્મ આપ્યા બાદ ત્રાસ દેતા યુવતી પિયર જતી રહી’તી

પ્રેમીકાને રિબડા પાસે લઇ જઇ ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત

શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીએ ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ મેળવી હત્યાનો ભેદ ઉકેલ્યો

રાજકોટ-ગોંડલ હાઇવે પર રિબડા પાસે ગઇકાલે લોહી લુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે હત્યાની શંકા સાથે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભેદ ભરમ ભરેલી અને રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાની તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એલ.સી.બી.એ ઝંપલાવ્યું હતું અને સાંજ સુધીમાં મૃતદેહની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા પરિણીત પુરૂષ મિત્રને ઝડપી લેતા બંને વચ્ચેના ત્રણ વર્ષથી ચાલતા અનૈતિક સંબંધનો અંત આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રિબડા પાસેથી જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરેલી હાલતમાં યુવતીની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પરમાર અને બીટ જમાદાર ધમભા જેઠવા સહિતના સ્ટાફની પ્રાથમિક તપાસમાં હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવ્યાનું જણાવતા પોલીસે ફોરેન્કિ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતકની ઓળખ મળ્યા બાદ જ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગત બહાર આવે તેમ હોવાથી મોબાઇલમાં મૃતકના ફોટા પાડી જુદા જુદા ગૃપમાં વાયકલ કર્યા હતા.

મૃતકનો ફોટો વાયરલ થતા કોઠારિયા ગામે રહેતી શબાનાબેન બે દિવસથી લાપતા પોતાની પુત્રીની તપાસ માટે ગોંડલ તાલુકા પોલીસનો સંપર્ક કરી મોબાઇલમાં વાયરલ થયેલી તસવીર પોતાની પુત્રી સાજેદા હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે શબાનાબેનને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતદેહ બતાવતા મૃતક પોતાની પુત્રી સાજેદા ફિરોજભાઇ શમા હોવાની ઓળખ આપી હતી.

શબાનાબેન શમાની પૂછપરછ દરમિયાન સહકારનગર મેઇન રોડ પર આવેલી રઘુવીર સોસાયટીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા સંદિપ છગન સગપરીયા સાથે છેલ્લા ત્રણેક વર્ષ પહેલાં સામાકાંઠા વિસ્તારમાં સંદિપ સગપરીયાના મિત્રના બ્યુટી પાર્લરમાં સાજેદા નોકરીએ જતી હતી તે દરમિયાન બંને પરિચયમાં આવતા લગ્ન વિના જ બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સંદિપ સગપરિયા પરિણીત હોવાનું અને તેને બે સંતાનના પિતા હોવા છતાં સાજેદા સાથેના સંબંધના કારણે સાજેદાએ પુત્રને જન્મ આપ્યો હતો.સાજેદાના સંદિપ સગપરીયા સાથેના સંબંધના કારણે પરિવારે સાજેદા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેણીએ પુત્રને જન્મ આપ્યા બાદ સંદિપ સગપરીયા ચારિત્ર્ય અંગે શંકા કરી ત્રાસ દેતો હતો. બંને અવાર નવાર ઝઘડા થતા હોવાનું શબાનાબેન શમાએ જણાવ્યું હતું.શબાનાબેનની કબુલાતના આધારે સાજેદાની હત્યામાં મુળ રીબડાના વતની અને હાલ રાજકોટના સહકારનગર પાસેની રઘુવીર સોસાયટીમાં રહેતા સંદિપ સગપરીયાની સંડોવણીની શંકા સાથે ક્રાઇમ બાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે સંદિપ સગપરીયાને ઝડપી પૂછપરછ કરતા તેને સાજેદાની હત્યા કર્યાની કબુલાત આપી હતી.

સાજેદા બે દિવસ પહેલાં ઘરેથી નીકળી હતી અને ગઇકાલે સંદિપ સગપરીયા સાથે બાઇકમાં ગોંડલ તરફ જતા હતા ત્યારે બંને વચ્ચે ચાલુ બાઇકે ચારિત્ર્ય બાબતે ઝઘડો થયો હતો. રિબડા પાસે સંદિપ સગપરીયાએ બાઇક ઉભુ રાખી સાજેદાને માર માર્યો હતો અને પછાડી ગળુ દાબી દીધુ હોવાથી સાજેદાએ બચવા માટે સંદિપ સગપરીયાના માથામાં પથ્થર માર્યો હતો પણ સાજેદાનું મોત ન થયું ત્યા સુધી સંદિપ સગપરીયાએ ગળુ દાબી રાખી મોતને ઘાટ ઉતારી દીધાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવતા સંદિપ સગપરીયાનો હત્યાના ગુનામાં ગોંડલ તાલુકા પોલીસને કબ્જો સોપી દેતા એલ.સી.બી. પી.આઇ. એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.