Abtak Media Google News

તાઇવાન સાથે વધતા વિવાદ વચ્ચે જીનપિંગે સેનાને તૈયાર રહેવા આડકતરો સંકેત આપ્યો

વિશ્વમાં એક યુદ્ધ હજુ પૂર્ણ થયું નથી. ત્યાં ચીન નવા નવા છમકલાં કરીને વધુ એક યુદ્ધ શરૂ કરવાની કરતુત કરી રહ્યું છે. અહીં વાત ચીન અને તાઇવાન વચ્ચે વધતા જતા વિવાદની છે. ડ્રેગન અત્યારે યુદ્ધની તૈયારીમાં જ હોય તેવુ વિશ્વ આખામાં ચિત્ર ઉપસ્યું છે.

Advertisement

તાઈવાનના વિદેશ મંત્રીએ બે દિવસ પહેલા જ દહેશત વ્યક્ત કરી હતી કે, ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરી શકે છે અને હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પોતાની સેનાને આડકતરી રીતે આ જ પ્રકારનો સંદેશ આપ્યો છે.

સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચેનો ટકરાવ વધારે ઉગ્ર બની રહયો છે. અમેરિકાએ ફિલિપાઈન્સ સાથે અત્યાર સુધીનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે અને તાઈવાન સામે બાંયો ચઢાવી રહેલા ચીનનુ ટેન્શન તેના કારણે વધી રહ્યુ છે. ચીને પણ હવે પોતાની સેનાને જંગ માટે તૈયાર રહેવા માટે કહ્યુ છે. આમ સાઉથ ચાઈના સીમાં યુધ્ધ છેડાય તેવો ખતરો વધી ગયો છે. ચીનના રાષ્ટ્રપતિએ ચીનના સૈનિકોને કહ્યુ છે કે, યુધ્ધાભ્યાસ માટે એ જ રીતે તૈયારી કરજો જે રીતે યુધ્ધમાં ભાગ લેવાનો હોય.

ચીનનના મીડિયાના અહેવાલો અનુસાર  જિનપિંગે ચીનની નૌસેનાનુ નિરિક્ષણ કર્યુ હતુ અને સેનાને એલર્ટ રહેવા માટે આદેશ આપ્યો હતો. જિનપિંગે કહ્યુ હતુ કે, યુધ્ધ માટે તમારે હંમેશા તૈયાર રહેવુ પડશે. જેથી સાઉથ ચાઈના સી વિસ્તારનુ રક્ષણ કરવામાં કોઈ ચૂક ના રહી જાય.ઉલ્લેખનીય છે કે, ચીને હાલમાં જ તાઈવાનને ડરાવવા માટે ત્રણ દિવસનો યુધ્ધાભ્યાસ કર્યો હતો અને તેમાં ચીનના સેંકડો યુધ્ધ જહાજો તેમજ લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો. બીજી તરફ અમેરિકાએ ચીનના કોઈ પણ પ્રકારના આક્રમણનો જવાબ આપવા માટે પોતાના યુધ્ધ જહાજો પણ સાઉથ ચાઈના સીની આસપાસ તૈનાત કરી રાખ્યા છે. હાલમાં તે ચીનના પાડોશી દેશ ફિલિપાઈન્સની નૌસેના સાથે એક યુધ્ધાભ્યાસ પણ કરી રહ્યુ છે. જે જોઈને ચીનના પેટલમાં તેલ રેડાયેલુ છે.

ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેનના યુદ્ધથી વિશ્વ આખામાં ખાદ્ય સંકટ સહિતના અનેક પ્રશ્નો સર્જાયા છે. તેવામાં હવે વધુ એક યુદ્ધ શરૂ થાય તો વિશ્વ ઉપર અનેક સંકટ ઉભા થઇ શકે છે. આખું વિશ્વ હવે બીજા યુદ્ધનો માર સહન કરી શકે તેમ નથી. હવે જો બીજું વિશ્વ યુદ્ધ થશે તો અનેક દેશોના અર્થતંત્ર ભાંગી પડશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.