Abtak Media Google News

માત્ર 24 કલાકમાં જ એક જ પરિવારના ત્રણના મોતથી નાના એવા ભગુપૂરમાં કરુણાંતિકા સર્જાઇ

માતા અને પુત્રના આપઘાતની ફરજ પાડવાના ગુનામાં અમદાવાદના છ શખ્સોની ધરપકડ: છની શોધખોળ

ચુડા તાલુકાના ભગુપૂર ગામમાં માતા અને પુત્રના આપઘાત બાદ પિતરાઈ ભાઈએ પણ જીવન ટૂંકાવતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી નાના એવા ગામમાં કરુણાંતિકા સર્જાઇ છે. પોલીસે માતા અને પુત્રને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં અમદાવાદના પરિવારના છ શખ્સોની પોલીસે ધરપકડ કર્યા બાદ પરિવારજનોએ ત્રણેય મૃતદેહ સ્વીકાર્યા હતા.

Advertisement

ચુડા તાલુકાના ભગુપૂર ગામમાં બનેલા આ બનાવ પાછળ યુવકે કરેલા મૈત્રી કરાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. લક્ષ્મણ પરમાર નામના યુવાને અમદાવાદમાં રહેતી તેની સાળી પાયલ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેતા હતા.લક્ષ્મણભાઈના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ લક્ષ્મણભાઈ તેની સાળી સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. આ વાત પાયલના પરિવારજનોને પસંદ ન હતી જેથી તેઓ અવારનવાર લક્ષ્મણના ઘર પર આવતા અને ઝઘડો કરતા હતા. આ સિલસિલો ચાલુ રહેતા લક્ષ્મણ અને તેના માતા પ્રેમબેને પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે અમદાવાદના પરિવારના 12 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

એક સાથે માટે અને પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટુકાવ્યા બાદ હજુ તેમના અગ્નિસંસ્કાર કરી પરિવાર ઘરે પહોંચે તે પહેલાં 24 કલાકમાં તેમના પિતરાઈ ભાઈ કાનજી પરમારે પણ આપઘાત કરી લેતા નાના એવા ગામના કલ્પાંત સર્જાયો છે. કાનજીભાઈ પરમાર ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પિતરાઈ ભાઇ લક્ષ્મણભાઈ અને કાકી પ્રેમબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેને પણ લાગી આવ્યું હતું અને ચુડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

લક્ષ્મણભાઈ અને પ્રેમબેનના આપઘાતના કારણે તમામ પરિવારજનો હજુ હોસ્પિટલ પર હતા તે દરમિયાન ચૂડાના રેલવે ટ્રેક પાસેથી પસાર થતા વાડીના માર્ગ પર એક ખેડૂતે યુવાનને મૃત હાલતમાં જોઈ જતા પરિવારજનોને જાણ કરતા જાણે તેમના પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

સૌપ્રથમ લક્ષ્મણભાઈ અને તેમની માતા પ્રેમ બેનના આપઘાત બાદ આરોપીને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ ઉછ પોલીસ અધિકારી સહિતનાઓની સમજાવટ બાદ છ આરોપીઓની ધરપકડ કરતાં પરિવારજનોએ ત્રણેય મૃતદેહ સ્વીકાર્યા હતા. જ્યારે પોલીસ દ્વારા હજુ અમદાવાદના પરિવારજનોના છ સભ્યોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.