Abtak Media Google News

રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક પખવાડીયાથી ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન નાટક અને ફોટો સેશન વિશેષ કશું જ ન હોય તેવું લાગી રહ્યું છે. ન્યુસન્સ પોઇન્ટ અને શહેરના પ્રવેશ દ્વાર પરથી રોજ ટનબધ્ધ કચરો મળી આવે છે. જાહેરમાં ગંદકી કરનારાઓમાં પણ કોઇ જ સુધારો આવતો નથી.

ન્યુસન્સ પોઇન્ટ અને પ્રવેશ દ્વાર પરથી રોજ ટનબધ્ધ કચરાનો નિકાલ: જાહેરમાં ગંદકી કરનારા વધુ 34 દંડાયા

આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 106 ન્યુસન્સ પોઇન્ટ પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 25 ટનથી વધુ કચરાનું નિકાલ કરાયો હતો. રોજ કચરાનો નિકાલ કરવાની સિસ્ટમથી ન્યુસન્સ પોઇન્ટમાં ઘટાડો થવાનો નથી. કાયમી ધોરણે કચરાના આ કેન્દ્રોને બંધ કરાવવા માટે સિક્યુરિટી મુકવાની અથવા સીસીટીવી કેમેરા લગાવવાની તાતી જરૂરિયાત જણાઇ રહી છે. કોર્પોરેશનનો કાફલો જેવો કચરો ઉપાડીને જાય કે તરંત જ બીજી સેક્ધડે ન્યુસન્સ પોઇન્ટ પર ગંદકીના ઢગલાં થવા માંડે છે. વોર્ડ વાઇઝ નિયુક્ત કરાયેલા પ્રભારી ઓફિસરો પણ લાચાર બની ગયા હોય તેવું મહસૂસ થઇ રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટના ગેઇટ પણ જાણે ઉકરડા હોય તેવું લાગી રહ્યું છે. એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરથી આજે અઢી ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરનાર કે કચરાનો નિકાલ કરનાર વધુ 34 આસામીઓ પાસેથી આજે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને વેપારીઓ પાસેથી 5.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજકોટને સ્વચ્છ બનાવવા શહેરીજનો  અભિયાનમાં જોડાય: મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે રોબીન હુડ આર્મી સંસ્થા આ અભિયાનમાં જોડાઈ હતી. સંસ્થાના સહયોગથી સઘન સફાઈ કરવામાં આવી હતી.

અભિયાન વિશે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવવા સૌ સાથે મળીને અભિયાનમાં જોડાઈએ. હાલ રાજકોટ એન્ટ્રી / એક્ઝીટ, વિવિધ ન્યુસન્સ પોઈન્ટ અને જાહેરમાં ગંદકી કરતા નાગરિકો સામે કડક કાર્યવાહી અંગેનો અભિયાન ચાલી રહ્યો છે ત્યારે વિવિધ સંસ્થાઓ પણ  મહાપાલિકા સાથે સહયોગ આપી રહી છે.

આજે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  મહાપાલિકા અને રોબીન હુડ આર્મી સંસ્થાના સહયોગથી રામાપીર ચોકડીથી રૈયાધાર પાણીના ટાંકા સુધીના માર્ગ પર સઘન સફાઈ કરી 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.