Abtak Media Google News

એકબાજુ રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર જ્યારે બીજી બાજુ અસહય ગરમીથી લોકો પરેશાન થયા છે. જો કે આજે વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને જાણે ચોમાસાનો પ્રારંભ થઇ ગયો હોય તેવો આબેહૂબ માહોલ સર્જાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર તળે હળવા ઝાપટાં પડે તેવી શકયતા છે જો કે આવતીકાલથી વાતાવરણ ફરી ચોખ્ખું થશે અને ગરમીનો પારો વધશે.

ગઈકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલથી ફરી દક્ષિણ-પશ્ચિમના પવનો વહેતા ગરમીનું પ્રમાણ વધશે. ત્યારે ફરી તાપમાનમાં ઉછાળો આવવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા દસેક દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ઉના અને કચ્છના ભચાઉમાં વરસાદ આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવે આવતીકાલથી ફરી પાછો ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આજે રાજકોટનું લઘુતમ તાપમાન 25.8 અને મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ 18 કિમી પ્રતિ કલાક અને હવામાં 75 ટકા ભેજ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.