Abtak Media Google News
આયાત ડ્યુટી 12.5 ટકાથી ઘટાડી 10 ટકા કરવા અંગે વિચારણા, આ નિર્ણયથી વેપાર ખાધ વધે તેવી પણ ભીતિ

ભારતમાં સોના ઉપરની ડ્યુટી ઊંચી હોવાથી દાણચોરી મોટા પ્રમાણમાં થાય છે. પણ હવે સરકાર આ દાણચોરીનું પ્રમાણ ઘટાડવા માટે આયાત ડ્યુટી ઘટાડવા માટે તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતનું વેપાર મંત્રાલય ગેરકાયદેસર શિપમેન્ટ પર લગામ લગાવવા માટે સોના પરના આયાત કરમાં ઘટાડો કરવાની ચર્ચા કરી રહ્યું છે.  કિંમતી ધાતુ એવી સોનાના વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉપભોક્તા ભારત દેશમાં અનેક દેશોમાંથી સોનાની આયાત કરવામાં આવે છે. સોના ઉપર 12.5 ટકા જેટલી ડ્યુટી લાગી રહી છે. જેને કારણે  દાણચોરીનું પ્રમાણ વધુ રહ્યું છે.

હવે આ ડ્યુટીને ઘટાડીને લગભગ 10% કરવા માટે વિચારણા વેપાર મંત્રાલય કરી રહ્યું છે. હવે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી રહી છે.  આગામી વર્ષની શરૂઆતમાં બજેટ પ્રસ્તુતિ સમયે અથવા તે પહેલાં ડ્યુટી ઘટાડવાના નિર્ણયની જાહેરાત થઈ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આ નિર્ણય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ માટે મૂંઝવણ ઉભી કરે છે, જેમને વેપાર ખાધને ઓછી કરવા માટે આયાત ઘટાડવા સતત પગલાં લીધા છે. પરંતુ દાણચોરી સરકારને ખૂબ જ જરૂરી આવક છીનવી લે છે.

વહીવટીતંત્રે જુલાઈમાં ડ્યુટી વધારી હતી, જેના પગલે દેશની સોનાની ખરીદીમાં ઘટાડો થયો હતો. જો કે હવે સોનાની ડ્યુટીમાં ઘટાડો થવાથી તેની આયાત વધશે અને વેપાર ખાધ પણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, ટેરિફમાં વધારાને પગલે ભારતની સોનાની આયાત જુલાઈ-સપ્ટેમ્બરમાં એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ 23% ઘટી હતી. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના જણાવ્યા અનુસાર બુલિયન ઉદ્યોગ જુલાઈમાં કરાયેલા ટેક્સ વધારાને ઉલટાવી લેવા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં હાલના 3%થી 1.25% સુધી ઘટાડો કરવા માંગે છે. મુંબઈ સ્થિત ટ્રેડ ગ્રૂપના ચેરમેન આશિષ પેઠેએ જણાવ્યું હતું કે, “ઊંચો આયાત કર સ્થાનિક ઉદ્યોગમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે કારણ કે તે બિનસત્તાવાર માલની આવકમાં વધારો કરે છે અને ગેરકાયદેસર વેપારને ફાયદો કરે છે.”  અમારું લાંબા ગાળાનું સૂચન છે કે ડ્યૂટી 4%-6% ની વચ્ચે હોવી જોઈએ, જ્યાં સરકારને પણ સારી એવી આવક મળશે અને ગેરકાયદેસર વેપાર પણ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.