હરિદ્વારમાં કુંભને લઈ તડામાર તૈયારીઓ શરૂ

કોરોના કુંભનો ‘વેરી’ બનશે?

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંઘ રાવતે હરીદ્વારની મુલાકાત લઈ તૈયારીઓનો તાગ મેળવ્યો

વર્ષોથી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મ સાથે ધાર્મિક રીતે જોડાયેલા કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કુંભ મેળો હરીદ્વાર ખાતે યોજાનાર છે. કુંભ મેળામાં લાખોની મેદની ઉમટી પડતી હોય છે. પરંતુ કોરોના મહામારી સમયે કુંભ મેળાનું આયોજન ક્યાંક લોકોને સંકટમાં ન મુકી દે તે બાબત પણ ખુબજ મહત્વની છે. લાખોની મેદની ઉમટી પડતી હોય તેવા મેળામાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખી ગણતરીના લોકોને જ મેળામાં પ્રવેશ આપવામાં આવે તેવું પણ બની શકે છે. જેથી શું કોરોના કુંભનો વેરી બનશે તેવો પ્રશ્ર્ન પણ ઉદ્ભવીત થઈ રહ્યો છે.

ગુરૂવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંઘ રાવતે કહ્યું હતું કે, કુંભ મેળાને લઈને હરીદ્વારમાં ૯૮ ટકા જેટલી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ડિસેમ્બર મહિનાના અંત સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવનાર છે. આ વર્ષે કુંભનો મેળો જાન્યુઆરી માસથી હરીદ્વાર ખાતે શરૂ થનાર છે. ત્રિવેન્દ્રસિંઘ રાવતે ગુરૂવારે હરીદ્વારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે તમામ તૈયારીઓ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી લેવા આદેશ આપ્યા હતા. જે બાદ રાવતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તાગ મેળવ્યો હતો. કોરોના મહામારીના કારણે કુંભ મેળાની તૈયારીઓને અસર પહોંચી હોવાથી આગામી દિવસોમાં મજૂરોની સંખ્યા વધારી તેમજ વધુમાં વધુ શિફટમાં કામ કરી સંપૂર્ણ તૈયારીઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી લેવા વિચારણા હાથ ધરવામાં આવી છે.

રાવતે કહ્યું હતું કે, તૈયારીઓમાં ગંગા ઘાટના સૌંદર્યને વધુ નિખારવા હેતુસર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત મેળામાં મુલાકાતે આવતા તમામ લોકો માટે પાર્કિંગ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળાની તૈયારીઓમાં આસપાસના વિસ્તારમાં બ્રીજના કામોનો તાગ પણ રાવતે મેળવ્યો હતો. નેશનલ હાઈવે નાર્સન-રૂરકી તેમજ રૂરકી બાયપાસ ખાતે બની રહેલા ઓવરબ્રિજને પણ ટૂંક સમયમાં તૈયાર કરી લેવામાં આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો હતો. જેથી લોકો સરળતાથી હરીદ્વાર ખાતે પહોંચી કુંભ મેળાનો ભાગ બની શકે.

જે રીતે હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેને ધ્યાને રાખી ચોકકસ કહી શકાય છે કે, હરીદ્વાર ખાતે કુંભમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે પરંતુ કોરોના મહામારી અને તેની સાથે જોડાયેલા સોશિયલ ડિસ્ટન્સ, કોમ્યુનિટી ટ્રાન્સમીશન સહિતના મુદ્દાઓને નજર અંદાજ કરી શકાય નહીં, લાખોની મેદનીમાં કોરોના વધુ ઝડપે વકરે તેવી સંપૂર્ણ શકયતા છે ત્યારે કુંભ મેળામાં કોરોનાનું ગ્રહણ લાગશે કે કેમ ? તે જોવું રહ્યું.