Abtak Media Google News
  • શક્તિસિંહ ગોહિલ હજી ગુજરાતનું સંગઠન માળખુ પણ જાહેર નથી કરી શક્યા, ભાજપે લોકસભાની 15 બેઠકો માટે ઉમેદવારો ઘોષીત કરી દીધા છે

ભાજપ શા માટે પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધીની ચૂંટણી જીતવામાં સફળ થાય છે અને કોંગ્રેસને સતત નિષ્ફળતા જ હાથ લાગે છે તે વાત પરથી પડદો ઉંચકાય ગયો છે. ભાજપની સતત સક્રિયતા તેને વિજયની વરમાળા પહેરાવે છે. જ્યારે કોંગ્રેસને તેની નિષ્ક્રીયતા નિષ્ફળતાના દલદલમાં ધકેલી રહી છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પણ સંભાળી શકતી નથી. બીજી તરફ ભાજપે આજથી લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારનો આરંભ કરી દીધો છે. પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયાના મહિનાઓ પછી પણ શક્તિસિંહ ગોહિલ ગુજરાતનું સંગઠન માળખુ પણ જાહેર કરી શક્યા નથી. સામા પક્ષે ભાજપે ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 15 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. 10-રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા આજે ઉમેદવાર જાહેર બન્યા બાદ પ્રથમવાર રાજકોટ આવી રહ્યા હોય શહેર ભાજપ દ્વારા તેઓના શાહી સ્વાગત સાથે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધું છે.

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વ જ જાણે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીતી શકી હતી. પોતાના 17 ધારાસભ્યોને સાચવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે. અગાઉ ખંભાત અને વિજાપુર બેઠકના કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દરમિયાન ગઇકાલે કોંગ્રેસના કદાવર નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે પણ પક્ષ સાથે છેડો ફાડી નાંખ્યો છે. આ બંને પૂર્વ ધારાસભ્યો આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે.

લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષ કે તેનું મજબૂત સંગઠન માળખુ જ વિજય અપાવતું હોય છે. ચૂંટણી સમયે એકપણ કાર્યકર નારાજ ન થાય અને તુટે નહીં તેવી ખેવના પક્ષો દ્વારા રાખવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન હવે ગમે ત્યારે થાય તેમ છે. આવામાં સામાન્ય કાર્યકર્તા કે આગેવાનની વાત છોડો ખૂદ ધારાસભ્યો પંજાનો સાથ છોડી રહ્યા છે. છતા કોંગ્રેસના નેતાના પેટનું પાણી પણ હલતુ નથી. થોડા સમય પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વિજાપુર બેઠકના ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદથી રાજીનામુ આપી કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. દરમિયાન ગઇકાલે અર્જૂનભાઇ મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સમક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ ઉપરાંત રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ પંજાનો સાથ છોડ્યો હતો. આ બંને નેતાઓએ આજે કેસરિયા કર્યા હતા.

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી અને કેન્દ્રમાં એક દશકાથી સત્તા વિહોણી કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે છતા પોતાના પક્ષના કાર્યકરો કે આગેવાનોની વાત તો એકબાજુ રહી સિનિયર ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાની વાત તો માઇલો દુર રહી સંગઠન માળખું પણ જાહેર કરી શકી નથી. બીજી તરફ ભાજપ દ્વારા આજથી લોકસભાની ચૂંટણી માટે જોર-શોરથી પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભાજપે ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં ગુજરાતની 26 લોકસભાની બેઠકો પૈકી 15 બેઠકો માટે નામો જાહેર કરી દીધા છે. બાકીની 11 બેઠકો માટે આગામી ગુરૂવાર અથવા શુક્રવારે નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના છે. ચૂંટણીની તૈયારી ક્યાંથી શરૂ કરવી તેના ફાંફા કોંગ્રેસ મારી રહ્યું છે. સામા પક્ષે ભાજપે હરીફોને તમામ મોરચે મ્હાત કરવા ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

મોઢવાડિયા-ડેર ભાજપમાં જોડાયા

આગામી દિવસોમાં હજી કોંગ્રેસની મહત્વપૂર્ણ વિકેટો પડે તેવી પ્રબળ સંભાવના

પોરબંદરના ધારાસભ્ય પદેથી ગઇકાલે અર્જૂનભાઇ મોઢવાડિયાએ રાજીનામું ધરી દીધું હતું. બીજી તરફ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે પણ પંજા સાથે છેડો ફાડી નાખ્યો છે. રાજકોટમાં પણ પૂર્વ કોર્પોરેટર વિજય વાંકે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ફગાવી દીધું છે. આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયા અને અંબરીશભાઇ ડેર સહિત કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા હતા.  વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકોની તોતીંગ લીડ હોવા છતા હરિફ રાજકીય પક્ષોને આંચકા આપવાનો એકપણ તક ભાજપ છોડતું નથી. આગામી દિવસોમાં પણ હજી કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લ્યે તેવી સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.