Abtak Media Google News

લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે છ માસનો સમય બાકી રહ્યો છે ત્યારે છેલ્લી બે ચૂંટણીથી ગુજરાતમાં સમખાવા પુરતી એકપણ બેઠક જીતી ન શકનારી કોંગ્રેસે આ વખતે ધીમી પણ મક્કમ ગતિએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. નિષ્ક્રીય આગેવાનો અને કાર્યકરોને પક્ષમાંથી નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલા કોંગ્રેસ દ્વારા 33 જિલ્લા અને 8 મહનગરોના સંગઠનના હોદ્ેદારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે ત્યારબાદ પ્રદેશનું સંગઠન માળખુ જાહેર કરવામાં આવશે.

પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી દરબારમાં: જિલ્લા-શહેર બાદ પ્રદેશનું માળખુ જાહેર કરાશે

દિલ્હી દરબારમાંથી તેડું આવતા આજથી બે દિવસ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોના પ્રમુખ સહિતના હોદ્ેદારોના નામ પર મનોમંથન કરવામાં આવશે. હોદ્ો આપવા છતા નિષ્ક્રીય રહેનારા કાર્યકરો કે આગેવાનોને હવે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે નહીં. તેવી જાહેરાત અગાઉ પ્રદેશ પ્રમુખ અને પ્રભારી કરી ચૂક્યા છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે અને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તમામ અલગ-અલગ બેઠકોની જવાબદારીનો સ્વીકાર કરી સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. પ્રદેશ પ્રમુખપદે શક્તિસિંહ ગોહિલની નિયુક્તીને ઘણા મહિનાઓ વિતી ગયા હોવા છતા હજી સુધી નવુ માળખું જાહેર કરવામાં આવ્યું નથી. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં 26 બેઠકો પૈકી સમખાવા પુરતી એકપણ બેઠક મળતી નથી. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. રાજ્યની વિધાનસભાની 182 બેઠકો પૈકી માત્ર 17 બેઠકો જીતી શકી છે. છતા સંગઠન માળખાનું મહત્વ જાણે કોંગ્રેસના નેતાઓ સમજતા જ ન હોય તેવું લાગી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીના આડે હવે વધીને છ માસનો સમય બાકી રહ્યો છે છતા કોંગ્રેસ હજી કોમામાંથી બહાર નિકળી શકતી નથી. હવે સંગઠન માળખાની રચના કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. આજથી બે દિવસ શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઇ ચાવડા દિલ્હીમાં છે. હાઇકમાન્ડ સાથે બેઠક યોજવામાં આવશે. દિવાળી તહેવાર પહેલા અથવા તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના સંગઠન માળખાની જાહેરાત કરી દેવામાં આવશે ત્યારબાદ એકાદ પખવાડિયામાં પ્રદેશ સમિતિનું પણ નવુ સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે. જેમાં પક્ષમાં સક્રિય હોય અને ફૂલ ટાઇમ આપી શકે તેવા નેતાઓને જ સ્થાન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.