Abtak Media Google News

રાજસ્થાનનું રાજકીય સંકટ હાલ પુરતું ઉકેલાયું: ૧૪ સપ્ટેમબરે વિશ્ર્વાસના મતની પરીક્ષા બાદ કોંગ્રેસ ગેહલોતની ‘કસોટી’ કરશે

રાજસ્થાનમાં કોંગ્રેસે સરકારને સ્થિર રાખવા વચગાળાનો રસ્તો અપનાવી લીધો છે. મુખ્યમંત્રી ગેહલોત સામે બાયો ચઢાવનાર પાયલોટને રાજી રાખવામાં કોંગ્રેસને અંતે સફળતા મળી છે. જો કે, પાયલોટને રાજી રાખી આગામી ૧૪ સપ્ટેમબર બાદ ગેહલોતને હાસીયામાં ધકેલી દેવાય તેવી વકી પણ છે. આગામી ૧૪ સપ્ટેમબરે રાજસ્થાન વિધાનસભામાં વિશ્ર્વાસના મતની અગ્નિ પરીક્ષા થશે. આ અગ્નિ પરીક્ષા પાર પાડવા માટે હાલ પુરતા પાયલોટને મનાવી લેવામાં આવ્યા છે. પરંતુ વિશ્ર્વાસના મત બાદ ગેહલોતના સ્થાને અન્ય મુખ્યમંત્રી બેસાડવામાં આવશે તેવી શકયતા છે.

Advertisement

મુખ્યમંત્રી ગેહલોત સામે આત્મ સન્માનની જંગમાં ઉતરેલા પાયલોટ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધીની બેઠકોનો દોર થયો હતો. પાયલોટ અનેક વખત કહી ચૂકયા હતા કે તેમનો સીધો જંગ ગેહલોત સાથે છે કોંગ્રેસ સાથે નહીં. એકંદરે ગેહલોત દ્વારા થયેલી મનમાનીનો વિરોધ પાયલોટ અને તેના સાથી ધારાસભ્યો કરતા હતા. બીજી તરફ ગેહલોતે પાયલોટ પર અનેક વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા હતા. આખા પ્રકરણમાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ ડામાડોળ બની ગઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે તેવા ભણકારા વાગવા લાગ્યા હતા. માટે કોંગ્રેસે સરકારને બચાવવા પાયલોટને મનાવી લીધા છે.

અહીં પાયલોટને ગેહલોત સામે વાંધો છે ત્યારે એવું પણ બની શકે કે, પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે શરત મુકી હોય તે મુજબ સમય આવ્યે ગેહલોતને હટાવી દેવાય. આમ તો ૧૪મી સપ્ટેમબરે ગેહલોત સરકારને અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડશે. આ અગ્નિ પરીક્ષા બાદ તુરંત ગેહલોતને વિદાય આપી દેવાય અને અન્ય વ્યક્તિને નવા મુખ્યમંત્રી બનાવાય તેવી શકયતા છે.

પ્રથમ દ્રષ્ટિએ રાજસ્થાન કોંગ્રેસમાં જોવા મળેલું સમાધાન ઘી ના ઠામમાં ઘી ઢોળાય તેવું લાગી રહ્યું છે. પરંતુ ચિત્ર કંઈક અલગ જ છે. પાયલોટે મીડિયા સાથેની પ્રથમ પ્રતિક્રિયા દરમિયાન પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મારી લડાય કોઈ પદ માટે નથી પરંતુ આત્મ સન્માન માટે છે. જે લોકોએ મહેનત કરી છે તેમની ભાગીદારી સરકારમાં હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો નથી. પક્ષ પદ આપે છે તો પક્ષ પદ લઈ પણ શકે છે. જે વચન આપીને સત્તા પર આવ્યા હતા તે વચન પુરા કરીશું, મને ખુશી છે કે કોંગ્રેસ અધ્યક્ષા અને પૂર્વ અધ્યક્ષ સાથે ચર્ચાના સારા પરિણામ આવ્યા છે. મને આશ્ર્વાસન આપવામાં આવ્યું છે કે, ત્રણ સભ્યોની કમીટી જલ્દીથી તમામ મુદ્દાઓનું સમાધાન લાવશે. નોંધનીય છે કે, સોનિયા ગાંધીએ સચિન પાયલોટ સહિતના તમામ બળવાખોરની સમસ્યાનું સમાધાન લાવવા સમીતી રચવાનો આદેશ આપ્યો હતો.

હાઈકમાન્ડે ત્રણ સભ્યોની સમિતિ રચી પાયલોટ જુથ સાથે સમાધાન કરવાના ભાગરૂપે કોંગ્રેસ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની કમીટી રચવાનું વચન આપ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. પાયલોટને કોંગ્રેસમાં ફરીથી સન્માનજનક દરજ્જો મળે તેવી ફોર્મ્યુલા ઘડાઈ રહી છે. એકંદરે કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસન લાગુ ન થાય તે માટે ઉંધામાથે થઈ છે અને પાયલોટના પ્રશ્ર્નોના સમાધાન માટે સમીતી રચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.