Abtak Media Google News

લોકસભામાં વિજય મેળવવા ઉત્તરપ્રદેશ અને બિહારની ચાવીરૂપ ભૂમિકા: કોંગ્રેસે ચૂંટણી વિજય માટે સાથી પક્ષો નક્કી કરી લીધા

લોકસભા ચૂંટણી માટે મહા ગઠબંધન બનાવવા માટે વિરોધ પક્ષો વચ્ચે મહાડીલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી જીતવા ઉત્તરપ્રદેશમાં વધુમાં વધુ બેઠકો મેળવવી જરૂરી છે. ઉત્તરપ્રદેશ અને બિહાર કેન્દ્રમાં સત્તા ભોગવવાની ચાવી છે. માટે કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, માયાવતી અને અજીતસિંઘે ઉત્તરપ્રદેશ જીતવા માટે એક સાથે લડવાનું નકકી કર્યું છે.

ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી મોટુ રાજય છે. જયાં લોકસભાની ૮૦ બેઠક છે. જેમાંથી વધુમાં વધુ બેઠક હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો પ્રયત્નશીલ છે. ભાજપને અગાઉ ગોરખપુર અને ફૂલપુર જેવી હાઈ પ્રોફાઈલ બેઠક પર પીછેહટ મળી હતી. આ પીછેહટ પાછળ વિરોધ પક્ષોનું સંગઠન જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ફરીથી આવી સ્થિતિ ન સર્જાય તે માટે ભાજપ ગંભીર છે. કોંગ્રેસે પણ પેટા ચૂંટણીની જેમ લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મેળવવા અટકાવવા દલીત નેતા માયાવતી, આરએલડી નેતા અજીતસિંઘ તેમજ સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યો છે. ગત અઠવાડિયે એનસીપીના શરદ પવાર પણ માયાવતીને મળ્યા હતા. એકંદરે ઉત્તરપ્રદેશી મહાગઠબંધનની રચના વાનું શરૂ થઈ ગયું છે. જો કે આ ગઠબંધનને બેઠકની ફાળવણીનો વિવાદ તોડશે તેવું પણ માનવામાં આવે છે.

મધ્યપ્રદેશની ગત ચૂંટણીમાં બેઠકોની ફાળવણી મુદ્દે માયાવતી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ સર્જાયા હતા. માયાવતીએ ૨૩૦ બેઠકમાંથી ૫૦ બેઠકો ફાળવવાની માંગણી કરી હતી. જો કે, કોંગ્રેસે ૩૦ થી વધુ બેંઠકો ફાળવશે નહીં તેવું કહ્યું હતું. ત્યારબાદ બાજી બગડી હતી. આવી જ રીતે લોકસભામાં પણ મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી મામલે ફાટફૂટ થઈ શકે છે. જો કે બીજી તરફ તમિલનાડુ અને ઝારખંડમાં બેઠક ફાળવણીમાં સમાધાન કરી વિજય મેળવવાનો પ્રયાસ થશે.

બિહારમાં લાલુપ્રસાદનો સાથ લેવાશે, જયારે મહારાષ્ટ્રમાં શરદ પવાર સાથે બેઠકની ફાળવણી કોંગ્રેસ કરશે. ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, તામિલનાડુ અને કેરળમાં કોંગ્રેસ પોતાના સાથી પક્ષો નક્કી કરી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.