Abtak Media Google News
  • બિલ્ડરોને વાહનો પરથી “ઓન ડ્યુટી આરએમસી” બોર્ડ હટાવી લેવા કડક તાકીદ
  • શ્રમિકોની સલામતી મામલે બિલ્ડર્સ એસોસિએશન સાથે કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ બેઠક

શહેરમાં ઓન ડ્યુટી આરએમસી લખેલા સેંકડો વાહનો દોડી રહ્યા છે. સરકારી તંત્રની કનડગત અટકાવવા માટે બિલ્ડરો દ્વારા પણ આવા પ્રકારના બોર્ડ લગાવી દેવામાં આવતા હોય છે. દરમિયાન આજે કોર્પોરેશન દ્વારા બિલ્ડરો સાથે શ્રમિકોની સલામતી મામલે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામને એવી કડક તાકીદ કરવામાં આવી હતી કે તાત્કાલીક અસરથી આવા બોર્ડ હટાવી લેવા બિલ્ડીંગ સાઇટ પર જો શ્રમિકો માટે શૌચાલયની સગવડતા ઉભી કરવામાં નહિં આવે તો બાંધકામ પરવાનગી પણ રદ્ કરવામાં આવશે.

Advertisement

સેફટી ફોર લેબર્સ (શ્રમિકોની સલામતી) મુદ્દે બિલ્ડર્સ એસોશિએશન સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા તેમજ તમામ સિટી એન્જીનિયરો અને બિલ્ડર એસો. અને અન્ય સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાએ આ મીટિંગમાં જણાવ્યું હતું કે, શહેરમાં જુદાજુદા સ્થળોએ ચાલી રહેલા બાંધકામોની સાઈટ્સ ખાતે ક્ધસ્ટ્રકશન અંગેની ગાઈડલાઈન્સ અનુસાર શ્રમિકોની સલામતીને ટોચની અગ્રતા આપવાની રહે છે અને આ હેતુ માટે શ્રમિકોને હેલ્મેટ, ગ્લવ્ઝ, માસ્ક, પીપીઈ કીટ, વગેરે જેવા સાધનો આવશ્યકતા અનુસાર ઉપલબ્ધ કરાવવાના રહે છે. સબબ તમામ બિલ્ડરો આ ગાઈડલાઈન્સને અનુસરે તે જરૂરી છે. આ ગાઈડલાઈન્સનો મૂળભૂત હેતુ બાંધકામ સાઈટ્સ ખાતે કાર્ય કરી રહેલા તમામ શ્રમિકોની સલામતી જળવાઈ રહે એ જ છે અને તેમાં કોઈ બાંધછોડ ના થાય તે જોવાની જવાબદારી બિલ્ડરોની રહે છે,

વિશેષમાં તેમણે અન્ય આનુસાંગિક મુદાઓ અંગે વાત કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની માલિકી સિવાયના અન્ય વાહનો પર ઓન ડ્યુટી આરએમસી જેવા લખાણ ધરાવતા બોર્ડ બિલ્ડરોએ સત્વરે હટાવી લેવા. બિલ્ડરો વાહનો પર ઓન ડ્યુટી આરએમસી લખેલું બોર્ડ રાખવાને બદલે રાજકોટ મહાનગરપાલિકાએ ઇસ્યુ કરેલ વર્ક ઓર્ડર વાહનમાં સાથે રાખે.

બાંધકામ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં જો શ્રમિકોને રહેવા માટે ઝુંપડા બનાવવામાં આવેલ હોય તો બિલ્ડરોએ તે જગ્યાનું ભાડું ભરવું પડશે. સાથોસાથ એ સ્થળોએ સ્વચ્છતા પણ જાળવવાની રહે છે. ઉપરાંત શ્રમિકો માટે જરૂરી ટોઇલેટની સુવિધા ફરજીયાત ઉભી કરવાની થશે અન્યથા બાંધકામ પરવાનગી રદ કરવામાં આવશે. બાંધકામ સાઈટ્સ ખાતે બિલ્ડરો ત્યાં બાજુમાં જો રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ હોય અને તેનો ઉપયોગ કરવાની જરૂર પડે તો બિલ્ડરોએ તેનું ભાડું રાજકોટ મહાનગરપાલિકાને ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત બાંધકામ સાઈટ્સ ખાતે બિલ્ડીંગ મટીરીયલ ફૂત્પાત પર કોઈ પણ સંજોગોમાં રાખી શકાશે નહીં. જો આવું થશે તો મહાનગરપાલિકા નિયમ અનુસાર કડક કાર્યવાહી કરશે.

આ બેઠકમાં અપાયેલી સૂચનાને પગલે બિલ્ડર એસો.ના પરેશભાઈ ગજેરા, ધર્મેન્દ્રભાઈ મીરાણી અને એ.સી.ઈ.ના ગૌરવભાઈ મીરાણીએ શ્રમિકોની સલામતી, શ્રમિકો માટે આવશ્યક સુવિધાઓ અને સ્વચ્છતાનાં ધોરણો જાળવવાની રાજકોટ મહાનગરપાલિકાને ખાતરી આપી હતી. સાથોસાથ તેઓએ બાંધકામ સાઈટની નજીકનાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટનો ઉપયોગ નોમિનલ ભાવે કરી શકાય તે માટે પરવાનગી આપવા રજૂઆત પણ કરી હતી.

આ બેઠકનું ઓવરઓલ સંચાલન એડી. સિટી એન્જી. પી.ડી.અઢિયાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.