Abtak Media Google News

અબતક, રાજકોટ

આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે. જેમાં દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહેશે. આ પરિસંવાદમાં દેશના સહકારી આગેવાનો સંમેલનના માધ્યમથી એક મંચ પર ઉપસ્થિત થશે. સહકારી અગ્રણી દિલીપસંઘણીના અધ્યક્ષ સ્થાને કોર કમીટીની રચના કરવામાં આવી છે. એનસીયુઆઇ, ઈફકો, ક્રિભકો, અમુલ, નાફેડ,નાફકબ, નાફસ્કોબ સહિતની સહકારી સંસ્થાઓના માધ્યમથી નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજવામાં આવનાર છે.

રાષ્ટ્રીય પરિસંવાદમાં સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે: દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની રચના

ખેડૂતોની માલિકીની, ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ચાલતી અને ખેડૂતો માટે કાર્યરત, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મરર્સ ફર્ટીલાઈઝર કો-ઓપ. લિ. (ઈફકો) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. ૨૫ સપ્ટેમ્બરના રોજ ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનારરાષ્ટ્રીય સહકાર પરિસંવાદના આયોજન માટે એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં દિલીપ સંઘાણી તથા કોર કમિટીના સભ્યો ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવ,નાફેડના ચેરમેન બિજેન્દર સિંહ,ઈફકોના એમ.ડી.ડો.યુ.એસ. અવસ્થી, નાફસ્કોબના પ્રમુખ રવિન્દ્ર રાવ, નાફકબના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતા, અને સહકાર ભારતીના પ્રમુખ રમેશ વૈદ્યનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશમાં સહકારીતાના માધ્યમથી નવી અર્થવ્યવસ્થાના નિર્માણ સારૂ તેમજ દેશના સહકારી માળખાને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ સહકારી મંત્રાલય બનાવ્યું છે. જે ખરા અર્થમાં સહકારી સંસ્થાના વિકાસ માટે પૂરક બની રહેશે તેમ દિલીપસંઘાણીએ જણાવ્યું હતું. ગુજરાતનાં સહકાર માળખાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમિતભાઈ શાહ દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા તથા સમગ્ર દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.