કોરોનાના પાછોતરા પગલાં ?!!! અંતે ૧૪માં દિવસે કોરોનાનો ગ્રાફ નીચે ઉતર્યો !!!

અબતક, નવી દિલ્લી
ત્રીજી લહેરની દહેશત વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. દેશમાં ૧૪ દિવસમાં પ્રથમ વખત સપ્તાહના અંતે સોમવારે ભારતમાં કોવિડ-૧૯ ના દૈનિક કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ વાયરસથી થતા મૃત્યુમાં સતત વધારો થયો હતો.
ભારતમાં સોમવારે કોરોનાવાયરસના ૧,૬૬,૪૯૭ નવા કેસ નોંધાયા હતા. ડેટાબેઝ મુજબ સોમવારના કેસ અગાઉના દિવસના ૧,૮૦,૦૭૮ ની સરખામણીમાં ૭.૫% ઓછા રહેવાની ધારણા છે.  આ પરિણામો અગાઉના દિવસની તુલનામાં રવિવારે પરીક્ષણમાં ૧૪% ઘટાડાથી બહાર આવ્યા છે.
સોમવાર પહેલા ૨૭ ડિસેમ્બરથી દેશમાં દૈનિક કોવિડ કેસ સતત ૧૩ દિવસો સુધી વધ્યા હતા. જો કે, નિષ્ણાંતોના મત મુજબ કેસમાં ઘટાડો થવાનું કારણ અઠવાડિયાના અંતમાં પરીક્ષણમાં ઘટાડો અને સ્ટાફની અછત જવાબદાર છે. ભારતમાં સોમવારે કોરોના વાયરસથી ૧૨૯ મૃત્યુ નોંધાયા હતા. આ સતત ચોથો દિવસ હતો જ્યારે મૃત્યુઆંક ૧૨૦ કે તેથી વધુ હતો.
છેલ્લા સાત દિવસમાં રોજના સરેરાશ ૧૧૬ મૃત્યુ નોંધાયા છે.  આ અગાઉના સાત દિવસમાં ૭૦ ની સરેરાશ કરતાં ૬૬% વધારે છે, જે ત્રીજી લહેરમાં મૃત્યુદરમાં ધીમી પરંતુ સ્પષ્ટ વધારો દર્શાવે છે, જો કે દેશમાં રોગચાળાના અગાઉની બે લહેર કરતાં અત્યાર સુધીની એકંદર સંખ્યા ઘણી ઓછી છે.
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ૧૧ દિવસમાં જ કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧ લાખથી વધીને ૮ લાખનો આંકડો વટાવી ગઈ છે. સોમવારે સતત ૫માં દિવસે ૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. જોકે સોમવારે રવિવારની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧ લાખ ૬૬ હજાર ૩૭ નવા કેસ નોંધાયા છે. આ પહેલા રવિવારે ૧.૭૯ લાખ કેસ નોંધાયા હતા. હવે દેશમાં કુલ ૮ લાખ ૧૩ હજાર ૫૩૪ એક્ટિવ કેસ છે.
સોમવારે ૬૯,૭૯૮ લોકો સાજા થયા છે, જ્યારે ૨૭૬ લોકોના મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે સૌથી વધુ ચિંતાજનક બનેલા મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ સોમવારે નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જોકે ઉત્તરપ્રદેશમાં નવા કેસ સતત વધી રહ્યાં છે.
ડેલ્ટા અને ઓમીક્રોનનું મિક્સ વેરિયંટ ડેલ્ટ્રાક્રોન વાયરસ લેબમાં તૈયાર કર્યાનો ચોંકાવનારો દાવો
કોરોના વાયરસના નવા સ્વરુપ ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર દુનિયામાં ફેલાયો છે, ૨ નવેમ્બરના રોજ પ્રથમ વાર દક્ષિણ આફ્રિકામાં શાધાયેલો ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીનો સૌથી ઝડપી વાયરસ છે. કયાંક ઓમિક્રોન અને ડેલ્ટાના મિકસ સ્વરુપ ડેલ્ટાક્રોનની પણ ચર્ચા ચાલે છે. યૂરોપિયન દેશ સાઇપ્રસમાં ડેલ્ટાક્રોનના ૨૫ જેટલા કેસના નમૂના જીનોમ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વૈજ્ઞાાનિકો ડેલ્ટ્રાક્રોન વાયરસ લેબમાં વિકસિત કર્યો હોવાનું માની રહયા છે. જો કે સાઇપ્રસ યુનિવર્સિટીએ લેબમાં વિકસિત થયો હોવાના કોઇ પણ પ્રકારના દાવાને ફગાવી દીધો છે. કોરોના વાયરસ પર સ્ટડી કરનારા બર્મિઘમ યુનિવર્સિટીના માઇક્રોબાયલ જીનોમિકસ પ્રોફેસરનું માનવું છે કે કોઇ પણ વાયરસના અનેક સ્વરુપો ફેલાયેલા હોયતો તેમાંથી નવો વાયરસ બનવાની શકયતા વધી જાય છે. ડેલ્ટા અને ઓમિક્રોન મળીને ડેલ્ટાક્રોન બને તો તેમાં કાંઇ નવાઇ જેવું નથી પરંતુ આ લેબની પ્રવૃતિ છે કે નહી તેની પણ તપાસ થવી જરુરી છે કારણ કે ઓમિક્રોન અને ડેલ્ટા કરતા પણ તેનું આ સ્વરુપ વધારે બીમાર પાડનારું છે. તે વધુને વધુ લોકોને સંક્રમિત કરવાની સાથે ઘાતક પણ છે. જો કે ડેલ્ટાક્રોન પણ ઓમિક્રોન જેટલો ફેલાતો હશે એવું માનવાને કોઇ કારણ નથી.
પ્રિકોશન ડોઝ અભિયાનના પ્રથમ દિવસે ૧૦.૫ લાખ લોકોને ‘બુસ્ટર’ અપાયો !!
દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો વચ્ચે સ્વાસ્થ્યકર્મિ, ફ્રન્ટલાઈન વર્કર અને ગંભીર રોગોથી ગ્રસ્ત ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકોને સોમવારથી સતર્કતા ડોઝ લગાવવામાં આવી રહી છે. કોવિન પોર્ટલ પર રાત્રે ૧૨ વાગ્યા સુધીના આંકડા મુજબ પહેલા દિવસથી લગભગ ૧ લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. ત્યાં જ પીએમ મોદીએ પાત્ર લોકોને પ્રિકોશન ડોઝ લેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું- ‘ભારતે તકેદારીનો ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે. જેમણે રસીકરણ કર્યું છે તેઓને અભિનંદન. હું તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી કરાવવા વિનંતી કરું છું. જેમ આપણે બધા જાણીએ છીએ, રસીકરણ એ કોરોના સામેની લડાઈમાં સૌથી અસરકારક પગલાં પૈકી એક છે
હવે પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની જરૂર નથી
દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ(આઇસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ અંગે એક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. આઇસીએમઅઆરએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ત્યાં સુધી કોરોના ટેસ્ટ કરાવવાની જરૃર નથી જ્યાં સુધી તેમની ઓળખ ઉંમર અથવા અન્ય બિમારીઓથી પીડિત હોવાને કારણે વધુ જોખમવાળા તરીકે કરવામાં આવી હોય. આઇસીએમઆર એડવાઇઝરી ઓન પરપોઝિવ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી ફોર કોવિડ-૧૯એ વધુમાં જણાવ્યું છે કે આંતર રાજય ડોમેસ્ટિક ટ્રાવેલ કરનારા યાત્રીઓનો પણ કોરોના ટેસ્ટ કરવાની જરૂર નથી. તેણે વધુમાં જણાવ્યું છે કે આ ટેસ્ટ આરટી-પીસીઆર, ટ્રુનેટ, સીબીએનએએટી, સીઆરઆઇએસપીઆર, આરટી-લેમ્પ, રેપિડ મોલેક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમ અથવા રપિડ એન્ટિજન ટેસ્ટ(આરએટી) દ્વારા કરવામાં આવી શકે છે.