Abtak Media Google News

Table of Contents

ઘરેલું અને મેન્યુ ફેકચરીંગ કંપનીઓએ સરચાર્જ અને સેસ સાથે ૨૫.૧૭ ટકા ટેકસ ચુકવવો પડશે: શેરનાં વેચાણથી થતા કેપીટલ ગેઈન પરનો સરચાર્જ પણ નાબુદ: સરકારને વાર્ષિક રૂા.૧.૪૫ લાખ કરોડની નુકસાની: કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાત બાદ શેરબજારનાં ઈતિહાસમાં સૌથી મોટો ઉછાળો

વૈશ્વિક સ્તરે ફરી વળેલી મહામંદીની અસર ભારતનાં અર્થતંત્ર પર શકય તેટલી ઓછી થાય તે માટે કેન્દ્રની મોદી સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. મંદીનાં ખાટલે પડેલા અર્થતંત્રને બેઠા કરવા માટે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાની તથા શેરનાં વેચાણથી થતા કેપીટલ ગેઈન પર વસુલવામાં આવતો સરચાર્જ નાબુદ કરવામાં આવ્યો છે. જેને શેરબજારે હોસીલો આવકાર આપ્યો હોય તેમ નાણામંત્રીની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં તેજીનાં ઘોડાપુર આવ્યા હતા. શેરબજારનાં ઈતિહાસમાં સેન્સેકસમાં સૌથી મોટો ૨૨૫૫ પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો તો નિફટીમાં પણ ૬૭૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કોર્પોરેટ ટેકસ ઘટાડાની જાહેરાતથી તમામ સેકટરર ઈન્ડેકસમાં તેજી દેખાય છે.

Advertisement

આજે ગોવામાં મળનારી જીએસટી કાઉન્સીલની બેઠક પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંદીમાં ગરકાવ થઈ ગયેલા કોર્પોરેટ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ શેરબજારમાં જાણે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારનાં ઈતિહાસમાં સેન્સેકસમાં સૌથી મોટો ૨૨૫૫ પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો તો નિફટી પણ ૬૭૫ પોઈન્ટ ઉંચકાઈ હતી. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, કોર્પોરેટ ટેકસ ઘટાડવાનું બિલ પાસ થઈ ગયું છે. ઘરેલું કંપનીઓ અને મેન્યુફેકચરીંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું કંપની કે જે અન્ય કોઈ પ્રકારની છુટછાટ લેતી નથી તેને ૩૦નાં બદલે ૨૨ ટકા કોર્પોરેટ ટેકસ આપવાનો રહેશે. સરચાર્જ અને સેસ બંને થઈને ટેકસનો દર હવે ૨૫.૧૭ ટકા થશે. કંપની જો હાલ કોઈ છુટ લેતી હોય તો ટેકસ હોલી ડે એકસપાયરી બાદ ઓછા ટેકસ દરનો વિકલ્પ પસંદ કરી શકશે. બિલમાં આ ફેરફાર પણ લાગુ કરવામાં આવ્યો છે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા આઈટી એકટમાં નવા પ્રાવધાનને જોડવામાં આવ્યા છે જે નકકી કરશે કે કોઈપણ ઘરેલું કંપની જેની રચના ૧ ઓકટોબર ૨૦૧૯ કે તેનાં પછી થઈ હોય અને નવેસરથી રોકાણ કરી રહી હોય તો ૧૫ ટકાનાં દરથી તે ઈન્કમ ટેકસની ચુકવણી કરી શકશે.

આ ઉપરાંત ઈકવીટી કેપીટલ ગેઈન પરનો સરચાર્જ પણ હટાવી દેવામાં આવ્યો છે. લીસ્ટેડ કંપનીઓને રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારામને એવી જાહેરાત કરી હતી કે, ૫ જુલાઈ ૨૦૧૯ પહેલા બાયબેકની જાહેરાત કરનારી કંપનીઓને હવે બાયબેક ટેકસ આપવો પડશે નહીં આ સિવાય એમએટી (મીનીમમ અલ્ટરનેટીવ ટેકસ) ખતમ કરવામાં આવ્યો છે. આ ટેકસ એવી કંપનીઓ પર લગાવવામાં આવે છે કે જે નફો કમાય છે પરંતુ છુટનાં કારણે તેની ટેકસ પરની જવાબદારી હોય છે. ઈન્કમટેકસ એકટનાં સેકશન ૧૧૫ જેબી અંતર્ગત એએમટી લાગે છે. સરકારનાં આ નિર્ણયથી મેન્યુફેકચર કંપનીઓ પર ટેકસનું ભારણ ઘટશે અને આ જાહેરાતથી સરકારને વાર્ષિક રૂા.૧.૪૫ લાખ કરોડની નુકસાની થશે. નાણામંત્રીએ બજેટમાં આ ટેકસની જાહેરાત કરી હતી જે બાદ શેરબજારમાં મોટું ધોવાણ શરૂ થયું હતું. ૪૦,૦૦૦એ પહોંચેલો સેન્સેકસ ૩૬,૦૦૦એ આવી ગયો હતો જોકે આજે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો, ઉપરાંત બાયબેક પરનો ટેકસ પાછો ખેંચી લેવાની જાહેરાતથી શેરબજારમાં નવેસરથી તેજીનો માહોલ શરૂ થયો છે અને સેન્સેકસ તથા નિફટીમાં જાણે તેજીનું વાવાઝોડું ફુંકાયું હોય તેવું લાગી રહ્યું છે. નાણામંત્રીની જાહેરાત બાદ શેરબજારનાં ઈતિહાસમાં સેન્સેકસ અને નિફટીમાં રેકોર્ડબ્રેક ઉછાળા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૨૫૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૮,૩૪૮ અને નિફટી ૬૭૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૩૭૯ પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. શેરબજારમાં તેજી જોવા મળતા બુલીયન બજારમાં મંદી જોવા મળી રહી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૨૭ પૈસાની મજબુતાઈ સાથે હાલ ૭૧.૦૪ પર કામકાજ કરી રહ્યો છે. ૩ કલાકમાં રોકાણકારો અબજો રૂપિયા કમાયા છે. આજે સેન્સેકસે ઈન્ટ્રાડેમાં ૩૮૦૦૦ અને નિફટીએ ૧૧,૦૦૦ પોઇન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.  આ પહેલા ઈન્ટ્રા ડેમાં સેન્સેકસમાં ગત ૧૨/૫/૨૦૦૯નાં રોજ ૨૧૧૧ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ૧૦ વર્ષનાં લાંબા અંતરાળ બાદ સેન્સેકસે આ રેકોર્ડ તોડવામાં સફળ રહે તેવું લાગી રહ્યું છે.

આજની જીએસટી બેઠકમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટેકસ ઘટાડાશે તો બજારમાં વધારે તેજીની સંભાવના: વિનોદભાઈ નાંઢા

Vlcsnap 2019 09 20 13H10M28S483

અગ્રણી શેર બ્રોકર વિનોદભાઈ નાંઢાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે લાંબા સમય પછી બજારમા તેજી જોવા મળી છે. તેનું કારણ કોર્પોરેટ ટેકસમાં ઘટાડો મેટમાં ઘટાડો અને બાયબેકનો ૨૦ યકા ટેકસ કાઢવામાં આવ્યો તે છે આજે મળનારી જીએસટીની બેઠકમાં ઓટો મોબાઈલ સેકટરમા જીએસટી ઘટાડવામાં આવશે તો ઓટોમોબાઈલ સેકટરને મોટો ફાયદો થશે આ વર્ષે વરસાદ સારો થયો છે.જેથી પાક સારો થવાની આશા છે. તેથી બજારમાં રૂપીયો આવશે અત્યારે માર્કેટ સારૂ છે. ઓટોમોબાઈલ ઓઈલ અને એફએમસીજી ક્ષેત્રનાં શેરોમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે. 

નાણામંત્રીની જાહેરાતથી લાંબાગાળે ઘણો ફાયદો થવાની સંભાવના: દિલીપભાઈ અજમેરા

Vlcsnap 2019 09 20 13H09M49S893

શેર માર્કેટના અગ્રણી ચાર્ટીસ્ટ દિલીપભાઈ અજમેરાએ જણાવ્યું હતુ કે બજારમાં જે સ્મોલ કેપ અને મિડ કેપમાં સૌથી વધારે ઘસારો લોંગટર્મ કેપીટલ ટેકસ નિકળા પછી જે થયો છે તે પાછો લાવવો જરૂરી છે. નિર્મલા સિતારમણે જે જાહેરાત કરી છે તે સારી વાત છે. અને તેનાથી લાંબે ગાળે ઘણો ફાયદો થશે આ અત્યારે જે સટ્ટાકિય જે વેચાણ થાય છે. તેની તેજી છે. હજી મીડકેપ અને સ્મોલ કેપમાં એવા ભાવ વધતા નથી અને રિયલ ભાવથી નીચા ભાવે હજી શેર મળે છે. પણ કોઈ લેવા આવતું નથી નાના ઈન્વેસ્ટરોને તો જ ફાયદો થાય જો નાના મોટા શેરો વધે હવે આગામી સમયમાં માર્કેટ સારૂ રહેશે તેવું મને લાગી રહ્યું છે. અને થોડા નાના શેરો જે છે. તે સ્મોલકેપ અને મીડ કેપ જેવી કંપનીમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે.

કોર્પોરેટ ટેકસમાં ઘટાડો એ સરકારનું ૧.૪૫ લાખ કરોડનું પુશઅપ પેકેજ ગણી શકાય: કે.કે. ગોંડલીયા (મારવાડી ગ્રુપ)

Img 20190920 140538

મારવાડી શેર અને ફાયનાન્સ લીમીટેડના આસી. વાઈસ પ્રેસિડન્ટ (રીચર્સ ડીવીઝન) અબતકને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતુકે નાણામંત્રીએ કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરીને ૨૨ ટકા કરવાની જાહેરાત કરી છે. તેને લઈને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરીને ૨૨ ટકા કરવાની જાહેરાત કરી છે તેને લઈને શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડાથી બચતી રકમને ઔદ્યોગિક કંપનીઓ પોતાના વિકાસમાં વાપરી શકશે જેથી ઉદ્યોગોનો વધુ વિકાસ થશે કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની મોદી સરકારનું મેઈક ઈન ઈન્ડીયાને પ્રોત્સાહન આપવાની નીતિને પ્રોત્સાહન મળશે. ૧૯૯૧ પછી કોઈપણ સરકારે આ મોટો બિઝનેસ રીફોર્મ આપવાનો નિર્ણય કર્યો છે. બીજી રીતે કહીએ તો મોદી સરકારે આ ૧ લાખ ૪૫ હજાર કરોડ રૂા.નું કોર્પોરેટ પુશઅપ પેકેજ જાહેર કર્યું છે. જે ઔદ્યોગીક કંપની માટે ઓકિસજનરૂપ પૂરવાર થશે.

ઉદ્યોગોને રાહતોથી આગામી છ માસમાં અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી જશે: નિરવભાઈ શાહ

Vlcsnap 2019 09 20 13H09M38S705

આરકાર્ડીયા શેર બ્રોકરના ડીરેકટર નિરવભાઈ શાહે અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે નિર્મલા સિતારમણે જે જાહેરાત કરી તે આપણા શેર બજાર અને અર્થતંત્ર માટે ખૂબજ સારી છે. તેના કારણે આપણો દેશ મંદીમાંથી ઘીરેઘીરે બહાર આવી જશે અને ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં આપણે સંપૂર્ણ રીતે મંદીમાંથી બહાર આવી જશુ તેવી સંભાવના છે. આગામી અસરોમાં આપણો રૂપીયો ડોલરની સામે મજબુત થશે બોન્ડ ઈલે જે આપણુ અર્થતંત્ર નક્કી કરે છે તે પણ આજે ખૂબજ વધીને આવ્યું છે. શેર બજાર માટે આજની જાહેરાત એ ખૂબજ આશાવાદ છે. ઈન્વેસ્ટરો માટે અત્યારે મીડ કેપ અને સ્મોલ કેપમાં એક કે બે વર્ષ માટે ઈન્વેસ્ટ કરે તો મીનીમમ ૨૫% રિટર્ન મળશે તેવું મારૂ માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.