Abtak Media Google News

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન લીડીંગ ધ ગ્રીન એફોર્ડેબલ હાઉસીંગ મૂવમેન્ટ ઈન ઈન્ડિયા કેટેગરીમાં કરાયો એવોર્ડ એનાયત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારીત બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબીટેડ એસેસમેન્ટ દ્વારા કોર્પોરેશનને ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા દેશભરમાં પ્રથમ પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકાને ગ્રીન ચેમ્પીયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોવાની જાહેરાત મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટે.કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજના જેવી કે વામ્બે, બીએસયુપી, રાજીવ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીપીપી આવાસ યોજના સહિત અત્યાર સુધીમાં ૨૫૦૦૦ જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે અને લાભાર્થીઓને સોંપણી કરી દેવામાં આવી છે. હાલ ૧૦,૦૦૦થી વધુ આવાસોની કામગીરી પ્રગતિમાં છે. કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા સુચનો અન્વયે બિલ્ડીંગ ડિઝાઈનના ફિચર્સમાં ટેકનીકલ ફેરફાર કરી ઘરના અંદરનું તાપમાન વધુમાં ૩૦ થી ૩૧ ડિગ્રી રહે તે મુજબ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેવીટી હોલ, ઓપનેબલ બારી દરવાજા, વેન્ટીલેશન સહિતની સુવિધાઓ સામેલ છે. ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સીપલ્સને ધ્યાને રાખી ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર સીસ્ટમ, વરસાદ પાણીના બજાવ માટે રેન વોટર હાર્વેશીંગ તમામ સુવિધાને ધ્યાનમાં રાખતા સ્માર્ટ ઘર ૩ પ્રોજેકટ માટે ગ્રીન રેટીંગ ફોર ઈન્ટરગ્રેટેડ હેબીટેડ એસેસમેન્ટ દ્વારા ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે. આવાસ યોજના ઉપરાંત નવી બનનારી શાળાઓ, લાઈબ્રેરીઓમાં પણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારીત બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (આઈજીબીસી) દ્વારા જુદી જુદી ૭ કેટેગરીમાં એવોર્ડ નોમીનેશન કરવામાં આવે છે જે પૈકી ગર્વમેન્ટ ઓર્ગેશનાઈઝેશન લીડીગ ધ ગ્રીન એફોર્ડેબલ હાઉસીંગ મુવમેન્ટ ઈન ઈન્ડિયા કેટેગરીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ૧૫ પ્રોજેકટ માટે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન માટે અરજી કરવામાં આવી છે જે માટે જરૂરી તમામ પરિબળો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય અને આવાસના લાભાર્થીઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટેનું આયોજન છે.

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા દેશભરમાં પ્રથમ એવા રાજકોટ મહાપાલિકાની આ કામગીરીની સરાહના કરવામાં આવી છે અને વર્ગમેન્ટ ઓર્ગેનાઈઝેશન લીડીંગ ધ ગ્રીન એફોર્ડેબલ હાઉસીંગ ઈન ઈન્ડિયા કેટેગરી અંતર્ગત સાતમોં આઈજીબીસી ગ્રીન ચેમ્પીયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજે લીડરશીપ એવોર્ડ પ્રોગ્રામ અંતર્ગત આ એવોર્ડ કોર્પોરેશનને ઓનલાઈન એનાયત કરવામાં આવ્યો હતો. હાઉસીંગ સહિતના વિવિધ પ્રોજેકટની જવાબદારી નિભાવી રહેલા સ્પેશ્યલ સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા સહિતના અધિકારી અને કર્મચારીઓને પદાધિકારીઓએ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.