Abtak Media Google News

વોર્ડ નં.15માં રામનગર શાકમાર્કેટ પાસે નવી ચાર આંગણવાડીનું નિર્માણ કરાશે: કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે 20 દરખાસ્તો અંગે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સામેલ થયાને આઠ વર્ષ બાદ પણ રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત ન થતા શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા રોડ પર સ્વાતિ મેઇન રોડ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ દર વર્ષે બિસ્માર રસ્તા મામલે ચક્કાજામ સહિતના આંદોલાત્મક કાર્યક્રમો આપવા પડતા હતા. આ વર્ષે પણ સતત ત્રણ દિવસ સુધી રોડ બ્લોક કર્યા હતા. આગામી દિવસોમાં ચક્કાજામ બંધ થઇ જશે. કારણ કે સ્વાતિ મેઇન રોડ રૂ.5.35 કરોડના ખર્ચે ડામરથી મઢવામાં આવશે. આવતીકાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.18માં સાંઇબાબા સર્કલથી નેશનલ હાઇવે સુધીના સ્વાતિ-24 મીટર રોડને ડેવલપ કરવા માટે રૂ.5.87 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે દોઢ કિલોમીટરના રોડને ડેવલપ કરવા માટેના ખર્ચનો સમાવેશ થતો હતો. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ પાંચ એજન્સીઓ દ્વારા ઓફર આપવામાં આવી હતી. જે પૈકી એક કંપની ડિસક્વોલીફાય થઇ હતી.

બાકી રહેતી ચાર કંપનીઓ પૈકી મારૂતિ નંદન ક્ધસ્ટ્રક્શને 9 ટકા ઓછા ભાવ સાથે આ કામ રૂ.5.35 કરોડમાં કરી આપવાની ઓફર આપી હતી. જે સિટી એન્જીનીંયરના અભિપ્રાય અનુસાર વ્યાજબી લાગતા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપી સ્વાતિ પાર્ક મેઇન રોડને ડામરથી મઢવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં અલગ-અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે.

જેમાં શહેરના વોર્ડ નં.15માં રામનગર શાકમાર્કેટ પાસે આવેલા કોર્પોરેશનના 191 ચોરસ મીટરના પ્લોટ પર ચાર આંગણવાડી બનાવવા રૂ.40.33 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મૂકવામાં આવેલા ટેલીવિઝનનો રૂ.16.61 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં સુએજ પમ્પીંગ સ્ટેશન અને નેટવર્કની કામગીરી માટે ખર્ચ મંજૂરી સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.