Abtak Media Google News

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી ફરી એક વાર શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લું મુકાયું છે. મેનેજમેન્ટ સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે મંદિરને 9 એપ્રિલથી બંધ કરી દેવાયું હતું. જોકે, હવે ફરી એક વાર ભક્તો માટે મંદિર ખૂલ્લું મુકાયું છે. કોરોનાના કારણે બીજી વખત મંદિરને બંધ કરવું પડ્યું હતું. ઉજ્જૈન મહાકાલ મંદિરની મેનેજમેન્ટ સમિતિના સહાયક સંચાલક આર. કે. તિવારીએ જણાવ્યું હતું કે, મહાકાલ મંદિર સોમવારે સવારે 6 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લું મુકાયું છે.

જ્યારે મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશ નિષેધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન બુકિંગ કરાવવુ પડશે. મંદિરમાં તેમને જ પ્રવેશ અપાશે, જેમણે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે અથવા 48 કલાક પહેલા જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હશે. પ્રવેશ કરતા સમયે શ્રદ્ધાળુઓ પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ.

મંદિરના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, મંદિરમાં આવતા ભક્તોએ 2 ગજનું અંતર, માસ્ક પહેરવું અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કોરોના મહામારી શરૂ થવા પહેલા મંદિરમાં પ્રતિ દિવસ 20,000 લોકો દર્શનાર્થે આવતા હતા. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 175 કિલોમીટર દૂર આ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

મહાકાલ મંદિરમાં પ્રવેશ માટે મંદિર મેનેજમેન્ટે 24 જૂને પ્રિ-બુકિંગ શરૂ કરી હતી. ફક્ત ચાર કલાકમાં જ મહાકાલના દર્શન માટે ભક્તોએ તમામ સ્લોટ બુક કરી લીધા હતા. કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મંદિર મેનેજમેન્ટે એક દિવસમાં 7 સ્લોટના હિસાબથી 3,500 ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવાના નિયમ બનાવ્યા છે.

એક દિવસમાં 3,500 ભક્તોને મંદિરમાં મળશે પ્રવેશ

મંદિરમાં પ્રવેશ કરતા સમયે કોરોનાની વેક્સિનનું પ્રમાણપત્ર અથવા તો 48 કલાક પહેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. તિવારીએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક દિવસે સવારથી રાત્રિના 8 વાગ્યા સુધી 3,500 શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અપાશે. આ માટે 2-2 કલાકના સાત સ્લોટ બનાવવામાં આવ્યા છે. એક સ્લોટમાં માત્ર 500 લોકોને પ્રવેશ અપાશે. આ સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.

સાત સ્લોટમાં ભક્તોને મંદિરમાં મળશે પ્રવેશ

  • સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી
  • સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી
  • સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
  • બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી
  • બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી
  • સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી
  • સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી

નિયમોનું ઉલ્લંઘન કરી મંદિરમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓ સામે FIR થશે

આરોગ્ય અધિકારીઓના જણાવ્યાનુસાર, ઉજ્જૈન જિલ્લામાં શનિવારે કોરોના વાઈરસનો એક પણ નવો સંક્રમિત વ્યક્તિ નથી મળ્યો અને કોઈનું મોત પણ નથી થયું. મહાકાલ મંદિરમાં આવનારા ભક્તોને હવે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે. ત્યારે જ મંદિરમાં પ્રવેશ મળશે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરીને મંદિરમાં જબરદસ્તી પ્રવેશ કરશે તો તેની સામે FIR દાખલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.