Abtak Media Google News
  • સમાજવાદી પાર્ટીના સુપ્રીમોએ 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્ર્વાસ
  • મુલાયમસિંહ આઠ વખત ધારાસભ્ય અને સાત વખત સાંસદ રહ્યા, ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી અને બે વખત કેન્દ્રમાં મંત્રી બન્યાં હતાં

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો એવા મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે.  આજે સવારે 8.16 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 82 વર્ષના હતા. મુલાયમ સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા.  ગયા રવિવારથી તેમની હાલત નાજુક હતી. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ સપાના કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

કુસ્તીબાજ અને શિક્ષક રહેલા મુલાયમસિંહે લાંબી રાજકીય ઇનિંગ્સ રમી હતી.  તેઓ ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી રહ્યા.  કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન રહ્યા હતા.  તેઓ તેમના બોલ્ડ રાજકીય નિર્ણયો માટે પણ જાણીતા હતા.

22 ઓગસ્ટના રોજ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  મુલાયમ સિંહને 1 ઓક્ટોબરની રાત્રે આઈસીયુંમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મુલાયમ સિંહ યાદવની સારવાર મેદાંતાના ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવી રહી હતી. હાલ સપા પ્રમુખ અખિલેશ યાદવ અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલમાં છે. તેમના મૃતદેહને દિલ્હીથી લખનઉ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.  અહીંથી તેમને ઈટાવા લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહ 1967માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.  તેઓ આઠ વખત ધારાસભ્ય અને સાત વખત સાંસદ રહ્યા.

તેઓ યુપીના ત્રણ વખત મુખ્યમંત્રી અને બે વખત કેન્દ્રમાં મંત્રી રહ્યા.  દેશના સંરક્ષણ પ્રધાન તરીકે મુલાયમ સિંહ યાદવે સરહદ પર જઈને સેનાના દિલ જીતી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.