Abtak Media Google News
કાર્યકરો અને નેતાઓને વ્યવસાય છે, જો તે ખુલ્લીને આપમાં આવશે તો ભાજપ તેના વ્યવસાયને નુકસાન પહોંચાડશે, માટે છુપાઈને જ કામ કરવાની હાંકલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો તેમની આમ આદમી પાર્ટીને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની જ પાર્ટીની હારના સાક્ષી બની રહ્યા છે. શનિવારે ગુજરાતના અનેક શહેરોમાં સામે આવેલા પોસ્ટરો પર ભાજપ પર પ્રહાર કરતા આપના રાષ્ટ્રીય ક્ધવીનરએ કહ્યું કે પોસ્ટરો પાછળના લોકો રાક્ષસો છે.

આદિવાસી વસ્તી ધરાવતા વલસાડ વિસ્તારમાં એક રેલીમાં કેજરીવાલે કહ્યું, “ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો મને ગુપ્ત રીતે મળે છે અને મને શાસક પક્ષને હરાવવા માટે કંઈક કરવાનું કહે છે.” હું તે તમામ ભાજપના કાર્યકરો અને નેતાઓને કહેવા માંગુ છું જેઓ તેમની પાર્ટીને હરાવવા માંગે છે અને ’આપ’ માટે ગુપ્ત રીતે કામ કરે છે, આપણે તેમના ભાજપનો 27 વર્ષનો અહંકાર તોડવો પડશે. હું જાણું છું કે તમારી પાસે વ્યવસાયો છે, જો તમે અમારી સાથે જોડાશો તો તેઓ તમારા વ્યવસાયને નુકસાન પહોંચાડશે. તમે ત્યાં જ રહો, પરંતુ પક્ષને હરાવવા માટે છૂપી રીતે કામ કરો. કોંગ્રેસના કાર્યકરોએ ડરવાની જરૂર નથી, તમે તમારી પાર્ટી છોડીને આપમાં જોડાઈ શકો છો. તમારી પાર્ટીને ભૂલી જાવ.

ગુજરાતના નવનિર્માણ માટે તમામ લોકોએ એક થવું જોઈએ

ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે મતદારોને આગામી ચૂંટણીઓમાં “રાક્ષસોનો નાશ” કરવા આપને સમર્થન આપવા હાકલ કરી હતી. કેજરીવાલે કહ્યું, ’નવા ગુજરાત માટે દરેક લોકોએ એક થવું જોઈએ. પાર્ટીની પરવા ન કરો ગુજરાત માટે કામ કરો, દેશ માટે કામ કરો.” તેમણે દાવો કર્યો હતો કે આપ “નવું વાવાઝોડું, નવી રાજનીતિ, નવી પાર્ટી, નવા ચહેરા, નવા વિચારો અને નવી સવારની શરૂઆત કરશે.

વિવાદમાં ફસાયેલા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્યું રાજીનામુ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ એ નાટકીય રીતે રાજીનામું આપી દીધું છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક ’ધર્માંતરણ કાર્યક્રમ’ માં સામેલ થયા હતા. આ કાર્યક્રમને લઇને રાજધાનીમાં રાજકીય બબાલ મચી ગઇ હતી. રાજેન્દ્ર પાલની આ કાર્યક્રમમાં હાજરી અને ભગવાન પર આપેલા કથિત નિવેદનની ભાજપે ટીકા કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાજેન્દ્ર પાલથી નારાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.