Abtak Media Google News

કાચિંડાની જેમ કલર બદલતો કોરોના

કોરોના આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ તેની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. ઘણા દેશો કોરોનાની ત્રીજી તો ઘણા દેશો કોરોનાની ચોથી લહેરમાં સપડાયા છે. કાચિંડાની જેમ કલર બદલી રહેલા કોરોનાને કારણે ભારતમાં પણ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. એવામાં નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ વધુ ચિંતાનું કારણ બન્યો છે.

મે અને જુન માસ દરમિયાનનાં કોવિડ કેસોનું GBRC દ્વારા  વિશ્ર્લેષણ કરાયું; ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ગુજરાતમાં ગુણોતર વધુ

વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી નમુના લઈ અભ્યાસ કરાયો

ડેલ્ટાનો ડંખ ત્રીજી લહેર નોતરે તેવી ભીતિ તોળાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ડેલ્ટાનો ડંખ વધુ ઘાતકી બનતો જઈ રહ્યો હોય તેમ સ્થિતિ ઉભી થઇ છે.સાર્સ કોવ-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના સહ અધ્યક્ષ ડો. એન.કે. અરોરાએ જણાવ્યું કે મે માસથી ગુજરાતમાં જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. એમાંના 91 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટના હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ગુણોત્તર ખૂબ વધારે છે, મે અને જૂનનાં કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

જે દ્વારા જિનોમિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) સૂચવે છે કે રાજ્યમાં 90% થી વધુ કેસ ડેલ્ટા વેરિઅન્ટના હતા.  જીબીઆરસી વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વિશ્લેષણ કરાયેલા 174 નમૂનાઓમાંથી, 158 અથવા 91% પોઝિટીવ દર્દીઓના નમૂનાઓ ડેલ્ટા વેરિઅન્ટના હોવાનું જણાયું છે.

રાજ્યમાં મળી આવતા અન્ય પ્રકારોમાં B.1.1.7 (આલ્ફા), B.1.617.1, B.1.36.8 અને B.1 શામેલ છે. આ નમૂનાઓ વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, ગાંધીનગર, આણંદ અને મહેસાણા સહિતના હતા. રાજ્યમાં આલ્ફા અને બીટા વેરિએન્ટના કેટલાક કેસો નોંધાયા બાદ બીજી તરંગની શરૂઆત સુધી ભિન્નતા જોવા મળી હતી. પરંતુ બીજી તરંગ પછી, ડેલ્ટા વેરિઅન્ટનો પ્રભાવ વધુ રહ્યો.

ગાંધીનગરના જિનોમ સિક્વિન્સિંગ નિષ્ણાંતે જણાવ્યું હતું કે જૂનમાં, સિક્વન્સીંગના 95% કરતા વધુ પ્રકારમાં વેરિઅન્ટ મળી આવ્યો હતો. અને તેમણે ચેતવણી આપી છે કે આ વલણ જુલાઈમાં પણ ચાલુ રહેશે. જેમાં તમામની નજર ડેલ્ટા પ્લસ અને અન્ય પરિવર્તન પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.