Abtak Media Google News

બહેનના લગ્નની તૈયારી કરવા રાજકોટ કપડાંની ખરીદી કરી પરત ફરતી વેળાએ વહાલાસોયા ભાઈને કાળ ભેટ્યો: એક ઘાયલ

જૂનાગઢ: કાથરોટ ગામ નજીક ભડકેલી ગાયોના ટોળા નીચે ચગદાઈ જતાં માસુમ બાળકનું મોત

રાજ્યભરમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ વ્યાપક બનતો જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક પરિવારના માળા વિખાયા છે. એવો જ એક બનાવ ગોંડલ તાલુકાના દેરડી ગામ નજીક આખલો આડે ઉતરતા લુણીધાર ગામના ટપાલીનું બાઈક ડીવાઈડર સાથે અથડાતા મોત નિપજ્યું હતું. બહેનના લગ્નની તૈયારીમાં કપડાંની ખરીદી કરી પરત ફરતી વેળાએ ભાઈને કાળ ભેટ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુકાવાવ તાલુકાના લુણીધાર ગામના ટપાલી રાકેશભાઈ શંભુરભાઇ ચારેલા નામનો 26 વર્ષીય યુવાન પોતાના મિત્ર ધર્મેશ શુરસિંગ હઠીલા સાથે રાજકોટ બહેનના લગ્નની તૈયારી મામલે કપડાંની ખરીદી કરવા આવ્યો હતો.

રાકેશભાઈ અને તેનો મિત્ર ધર્મેશભાઈ બંને રાજકોટથી ખરીદી કરી પરત ગામ જઈ રહ્યા હતા. ત્યારે ગોંડલ તાલુકાના દેરડી ગામ પાસે આખલો આડે ઉતરતા ટપાલીનું બાઈક ડીવાઈડર સાથે અથડાયું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં રાકેશભાઈ ચારેલાનું મોત નિપજ્યું હતું જ્યારે તેના મિત્ર ધર્મેશને નાની મોટી ઇજા થઇ હતી.

તે ઉપરાંત અન્ય બનાવમાં જુનાગઢના કાથરોટા ગામ નજીક વાડીમાં કૂતરું વસતા ભડગેલી ગાયોના ટોળાએ દોઢ મૂકી હતી. જેમાં ત્યાં રહેલું નાનું બાળક ગાયોના ટોળા નીચે ચગદાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. માસુમ બાળકના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.