Abtak Media Google News

ચામડીના રોગની સચોટ સારવાર

વાતાવરણ પ્રમાણે વધતા જતા ફંગસના લક્ષણો રોકવા માટે નિશુલ્ક સર્જરી પણ થાય છે: ડો.યશદીપ પઠાનીયા (ડર્મેટોલોજી ડીપા.)

છ માસથી ચામડી રોગના દર્દીઓનો ધસારો વધ્યો: અત્યાર સુધી 5000 જેટલા દર્દીઓની થઈ ચૂકી છે સારવાર

રાજકોટ ખાતે એઇમ્સની શરૂઆત બાદ દરેક રોગની સારવારમાં લોકોને સચોટ ઈલાજનો ભરોસો ઉભો થયો છે. આ ભરોસો વધારવા માટે ’અબતક’ મીડિયા દ્વારા એઇમ્સના વિભાગોની લોકોને માહિતગાર કરવામાં માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ’અબતક’ ટીમ દ્વારા ચામડી રોગના વિભાગની મુલાકાત લીધી હતી. જેમાં લોકોને એઇમ્સ ખાતે કાર્યરત ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં મળતી સવલતો વિશે માહિતગાર કર્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એઇમ્સ ખાતે દોઢ વર્ષથી ઓપીડી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ કુલ 14 વિભાગમાં ઓપીડી સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં ચામડી વિભાગ પણ એક છે. ચામડીની સમસ્યાથી ત્રસ્ત દર્દીઓ એઇમ્સ પર ભરોસો દાખવી સારવાર માટે આવી રહ્યા છે. આ તકે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના તબીબી નિષ્ણાત ડો.યશદિપ પઠાનિયાએ દર્દી અને સારવાર માટેની અનેક અવનવી વાતોને લોકો સમક્ષ મૂકી હતી.

પ્રશ્ન :- ચામડીના રોગનો કઈ રીતે સારવાર કરવામાં આવે છે?

જવાબ:- આ અંગે ચામડી વિભાગના નિષ્ણાત ડો.યશદિપ દ્વારા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ’ એઇમ્સ ખાતે માત્ર રૂ.10ની ઓપીડી ફી દ્વારા દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. અહીંયા આવતા દર્દીઓ રોગથી ત્રસ્ત હોય છે. ઘણા સમયથી પ્રાઇવેટમાં સારવાર લેવા છતાં ઈલાજ ન થતો હોય તેવા દર્દીઓ એઇમ્સ પર ભરોસો મૂકે છે. ચામડીના રોગનો લગતી સારવાર સાથે જરૂર પડે નિશુલ્ક દરે તેની સર્જરી પણ કરવામાં આવે છે.

પ્રશ્ન :- ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં આશરે કેટલા દર્દીઓ આવે છે?

જવાબ:- એઇમ્સ ખાતે ઓપીડી સુવિધા ઉપલબ્ધ થયા બાદ દર્દીઓની સંખ્યા નહિવત બરાબર હતી. પરંતુ છેલ્લા છ માસમાં ચામડી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં રોજ 40-50 દર્દીઓ સારવાર માટે આવે છે. વિભાગની શરૂઆતથી અત્યાર સુધી આશરે 5000 જેટલા દર્દીઓ ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં સારવાર લઈ ચૂક્યા છે.

પ્રશ્ન :- સારવાર માટે આવતા દર્દીઓમાં ક્યાં લક્ષણો વધુ જોવા મળે છે?

જવાબ :- એઇમ્સ ખાતે કાર્યરત સ્કિન ડિપાર્ટમેન્ટમાં આસપાસ જ નહિ પરંતુ દૂર બહારગામથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. બહાર લાંબા સમયથી સારવાર કરવા છતાં ફેર ન પડતો હોય અને દર્દથી પીડાતા ત્રસ્ત દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. અત્રે આવતા દર્દીઓમાં ફંગસના લક્ષણો વધુ જોવા મળે છે. અહીંયા આવતા દર્ડીઓમાંથી 40 ટકા જેટલા દર્દીઓ ફંગસનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે. ઓપીડીમાં આવતા દર્દીઓને સારવારની સાથે જીવનશૈલી અને કામગીરીને લગતી બાબતો પર પણ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

પ્રશ્ન :- દર્દીઓને સારવાર સાથે દવાઓ કેવી રીતે આપવામાં આવે છે?

જવાબ:- આ અંગે ચામડી વિભાગના નિષ્ણાત ડો.યશદિપએ જણાવ્યું હતું કે અત્રે સારવાર લેવા આવતા દર્દીઓને રાહતદરની દવાઓ આપવામાં આવે છે. ટ્રીટમેન્ટ બાદ દર્દીઓને જેનરિક દવા આપવામાં આવે છે. જે જન ઔષધી કેન્દ્ર અને અમરીત સ્ટોર ખાતે ખૂબ જ રાહતના ભાવે મળી રહે છે.

પ્રશ્ન:- ચામડીના રોગથી બચવા માટે લોકોને શું સંદેશો આપશો?

જવાબ:- એઇમ્સના ડર્મોટોલોજિસ્ટ ડો.યશદિપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્રે ફંગસને લગતા દર્દીઓ વધુ સારવાર માટે આવે છે. લોકોને અનુરોધ કરતા કહ્યું હતું કે શરીરમાં કોઈપણ જાતના ડાઘ અથવા ધાધરની અસર દેખાય તો તુરંત તબીબોની સલાહ લઈને સારવાર કરવી. આ સાથે માત્ર દવા જ નહિ પરંતુ લોકોની રહેણીકહેણી પર પણ પૂરતું ધ્યાન આપવું પડે છે.

શરીરમાં ડાઘ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે: ડો.યશદીપ

એઇમ્સ ખાતે કાર્યરત ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચામડીને લગતા રોગની સચોટ સારવાર કરવામાં આવે છે. એટલું જ નહિ માત્ર રૂ.10ના ઓપીડી કેસ બાદ ચામડી વિભાગમાં દર્દીઓને મૂળ સુધી તપાસી તેમનું નિદાન કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ડર્મોટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં જરૂર લાગે શારીરિક ડાઘ દૂર કરવા માટે નિશુલ્ક સર્જરી પણ કરવામાં આવે છે. અનેક હોસ્પિટલના બતાવ્યા બાદ પણ રોગથી છુટકારો ન મળતા લોકો આખરે એઇમ્સ પર ભરોસો દાખવે છે અને તેની સાથે એઇમ્સના તબીબોની જવાબદારી રહે છે કે તેમના દર્દનો સચોટ ઈલાજ કરવામાં આવે અને તેના માટે હર એક તબીબ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.