Abtak Media Google News

ગાંધીનગર જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવશે

અલવિદા દેવભૂમિ દ્વારકા…અલવિદા…પુરા ત્રણ વર્ષ અને ત્રણ માસના આ જિલ્લામાં અધિક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના કાર્યકાળને અંતે હવે બદલીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાને અલવિદા કહેવાની વેળા આવી. આ જીલ્લાના માયાળુ પ્રજાજનોને આવજો કહેવાનો વખત આવી ચુકયો. ખીલવું, ખરવું અને ખુશ્બુ દઈને ખરી પડવું એ પુષ્પત્વનો નિયમ છે, ઉગવું, વધવું, ઉતિષ્ઠ અને વટવૃક્ષ બની અંતે ઉથલી જવું એ વૃક્ષત્વનો નિયમ છે એજ રીતે નિમણુક, બઢતી, બદલી અને નિવૃતિ એ તો નોકરીના નિત્ય નવા પડાવ હોય છે.

Advertisement

એક સ્થળે લગાવ લાગે ત્યાં ફરી ઉચાળા ભરવાના.મારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી મને કયારેક એ વણઝારા જેવી લાગે છે જે વારેવાર મુકામ બદલે. ફરક એટલો કે એ લોકો પોઠો પર સમાન હેરફેર કરતા અમે ટ્રક ઉપર લાદીએ છીએ. કડક હાથે કામ કરતા કોમળ હૃદયથી લોકચાહના પ્રાપ્ત કરવી અતિ કઠિન હોય છે. છતાં મારો શ્રેષ્ઠ પ્રયાસ છેવાડાના શોષિત અને પીડિત સુધી પહોંચવાનો રહ્યો છે.

મારી સફળતા કે નિષ્ફળતાનું મુલ્યાંકન તો લોકોએ જ કરવાનું છે. આ તકે ગની દહીંવાળાના શબ્દો યાદ આવ્યા છે. ના જાઉં ધરા સુધી, ના જાઉં ગગન સુધી..! ના જાઉં ઉન્નતિ સુધી, ના જાઉં પતન સુધી..! બસ, મારે તો જાઉં છે એકમેકના મન સુધી..! જો કોઈના મન સુધી હું પહોંચી શકયો હોઈશ તો એ મારા સંતોષનો વિષય બની રહેશે. આ જિલ્લામાં એક અજાણ્યા આગંતુક તરીકે આવ્યો હતો અને અહીં સહુ કોઈનો અંગત અંગત થઈને જઈ રહ્યો છું એ મારો આનંદનો અહેસાસ છે.

સ્નેહનો એક ખોબો ભરીને મેં માંગ્યો હતો ત્યાં આ પ્રેમાળ પ્રજાએ પ્યારના મહાસાગરમાં મને તળબોળ કરી દીધો.મેં મારી વાણી, વર્તનને વ્યવહાર થકી અગર કોઈ રીતે વ્યથિત કર્યો હોય તો મને ક્ષમ્ય ગણશો. આ જિલ્લાનો મારો પંચાયત, મહેસુલી પરીવાર, તમામ કર્મચારીગણ અને અધિકારીગણનો હું વ્યકિતગત આભાર માનું છું. પ્રજાના ચુંટાયેલા તમામ પ્રતિનિધિઓ, પદાધિકારીઓના સાથ અને સહકાર બદલ આભાર. મારા મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો આભાર, જિલ્લાના સર્વે પ્રજાજનોનો દિલથી આભાર. અલવિદા દેવભૂમિ દ્વારકા.અલવિદા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.