Abtak Media Google News

હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકીના શરતી જામીન મંજુર કર્યા: પાંચ દિવસના જામીન દરમિયાન ૨૪ કલાક પોલીસ કાફલો સાથે રહેશે

પૂર્વ સાંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીની આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સક્રિય ભૂમિકા સામે આવતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલ દિનુ બોઘા સોલંકી જેલ હવાલે છે. ભત્રીજાનું કોરોના સંક્રમણના કારણે મોત નિપજયું હોવાથી દિનુ બોઘાએ ગુજરાત હાઈકોર્ટમાં કામચલાઉ જામીન અરજી મુકી હતી જેમાં હાઈકોર્ટે પાંચ દિવસના જામીન મંજુર કર્યા છે પરંતુ જો દિનુ બોઘા સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવશે તો તેને ભત્રીજાની અંતિમવિધિ પણ વિડીયો કોલીંગથી કરવી પડશે તેવું હાઈકોર્ટે સુચન કર્યું છે.

આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. દિનુ બોઘા અગાઉ જૂનાગઢનાં પૂર્વ સાંસદ રહી ચુકયા છે પરંતુ હત્યા કેસમાં સંડોવણી હોવાના પગલે કોર્ટે આજીવન કેદ ફટકારતા હાલ જેલ હવાલે છે. કોરોના સંક્રમણ સમયે દિનુ બોઘાનો ભત્રીજો પણ કોરોના સંક્રમિત થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા દિનુ બોઘાએ હાઈકોર્ટમાં કામચલાઉ જામીન અરજી મુકી હતી જેના પગલે હાઈકોર્ટે જામીન અરજી મંજુર કરી છે. હાઈકોર્ટે શરત મુકી છે કે, જો તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવશે તો દિનુ બોઘાએ જેલમાં રહીને જ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ભત્રીજાની અંતિમવિધિ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, જામીન અરજી મુકવા પાછળ ભત્રીજાની અંતિમવિધિનું કારણ મુકવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે તા.૨ ઓકટોબરથી ૬ ઓકટોબર સુધીના જામીન મંજુર કર્યા છે જેમાં હાઈકોર્ટે સુચન કરતા કહ્યું છે કે, જામીન બદલ દિનુ બોઘાએ રૂા.૨ લાખ ડિપોઝીટ સ્વરૂપે જમા કરાવવા પડશે. પાંચ દિવસના જામીન દરમિયાન ૨૪ કલાક દિનુ બોઘાની સાથે પોલીસનો કાફલો તૈનાત રહેશે જેમાં એક પીએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. પાંચ દિવસ સુધી ચારેય પોલીસ કર્મીઓના ખર્ચનો ૫૦ ટકાનો હિસ્સો રાજય સરકાર ભોગવશે જયારે ૫૦ ટકા દિનુ બોઘા સોલંકીએ ભોગવવા પડશે તેવું હાઈકોર્ટે નોંઘ્યું છે.

જામીન અરજી મંજુર કરતા હાઈકોર્ટે એવું પણ નોંધયું છે કે, દિનુ બોઘા સોલંકીના ૫૦ સભ્યોના સંયુકત પરીવારમાં છેલ્લા એક મહિનાથી કોઈપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો નથી. સોલંકીએ કેટલાક મહિના અગાઉ પણ જામીન અરજી મુકી હતી જયારે તેના પરીવારના અમુક સભ્યો કોરોના પોઝીટીવ નોંધાયા હતા પરંતુ તેના રહેણાંકનો વિસ્તાર માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન હોવાથી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધયું હતું કે, દિનુ બોઘાના રહેણાંકનો વિસ્તાર હાલ માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન હોવાથી જો જામીન અરજી મંજુર કરવામાં આવે તો દિનુ સોલંકી પણ કોરોના સંક્રમિત થઈ શકે છે અને જયારે તે પાછો ફરે ત્યારે જેલમાં આ સંક્રમણ ફેલાઈ શકે છે જેથી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી પરંતુ હાલ દિનુ સોલંકીએ તેના ભત્રીજાની અંતિમવિધિનું કારણ રજુ કરતા હાઈકોર્ટે શરતીજામીન અરજી મંજુર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.