Abtak Media Google News

ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરીમાં 100 ટકાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સરકાર નવતર અભિગમ હાથ ધરશે: પ્રથમ ડોઝ લીધા બાદ 42 લાખથી વધુ લોકો હજુ બીજા ડોઝ માટે ડોકાયા નથી

કોરોનાની બીજી લહેરમાંથી ગુજરાત હવે લગભગ સંપૂર્ણપણે ઉગરી ગયું છે. રાજ્યમાં વેક્સિનના 7 કરોડથી વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. 3 કરોડ લોકોને બે ડોઝ આપી સંપૂર્ણપણે સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન હવે 100 ટકા વેક્સિનેશનની કામગીરીના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર બાદ રાજકોટ સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં વેક્સિનનો એકપણ ડોઝ નહીં લેનારાઓને શોધી કાઢવા માટે ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ પ્રકારનો સર્વે શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 42 લાખથી પણ વધુ લોકો એવા છે કે, જેઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં તેઓ વેક્સિનના બીજા ડોઝ લેવા માટે આવ્યા નથી તેઓને પણ શોધવામાં આવશે.

ગુજરાતમાં ગત 16મી જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત સપ્તાહ સુધીમાં 7 કરોડથી પણ વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. અનેક શહેરમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી કોરોનાની વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી તેવા લોકોને શોધવા માટે ડોર ટુ ડોર તપાસ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

જેના પગલે દિવાળીના તહેવાર બાદ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકામાં વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારને શોધવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ટીમો બનાવી ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવશે અને વેક્સિનનો એકપણ ડોઝ નહીં લેનારને શોધી તેઓને વેક્સિન લેવા માટે સમજણ આપવામાં આવશે.

આ ડોર ટુ ડોર તપાસ દરમિયાન ટીમો દ્વારા એવી પણ પુછપરછ કરવામાં આવશે કે ઘરમાં કોઈ વ્યક્તિ સમય થઈ ગયો હોવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લેવામાં બાકી નથીને તેવા લોકોનું પણ અલગ યાદી બનાવીને તેમને પણ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે તાકીદ કરવામાં આવશે. વેક્સિનેશનની કામગીરીમાં 100 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવા અભિયાન હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.