Abtak Media Google News

25મી ડિસેમ્બર સુધીમાં જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીને આવરી લેવાશે

ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા  “ઇ-સરકાર” એપ્લિકેશનનો આરંભ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઇ-સરકાર એપ્લિકેશનનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ  કરાયો છે.  સુશાસન દિવસથી આ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે. આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર- ડીડીઓ કચેરી ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીએ ઇ-ગવર્નન્સ ઉપર ભાર મુકતા જણાવ્યું કે, ત્યારે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા  ઇ-સરકાર એપ્લિકેશનનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ભારતના પૂર્વ વડાપ્રધાન  અટલબિહારી વાજપાઈજીની 25મી ડિસેમ્બરે જન્મ જયંતિ છે અને સુશાસન દિવસ પણ છે. તે દિવસથી આ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે. ઇ-સરકાર હેઠળ આરટીઆઇ અરજી કરવી, લોક ફરિયાદ કરવી તથા મુલાકાત માટે સમય મેળવવો જેવી નાગરિકલક્ષી સેવાઓ પણ આવરી લેવામાં આવી છે.

આ એપ્લિકેશનમાં નાગરિકોને તેમની કેટલીક જરૂરી વિગતો આપ્યા બાદ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવશે. આરટીઆઇ અંતર્ગત નિયત ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવણી કરી શકશે. વધુમાં નાગરિકોને આ એપ્લિકેશનના ઉપયોગ માટે જરૂરી ટેક્નિકલ મદદ પણ ચેટબોટના માધ્યમથી આપવામાં આવશે.રાજ્યમાં વર્ષ 2005થી IWDMS નામની એપ્લિકેશન વહીવટી કામગીરી માટે ચાલુ છે.

જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે. મંત્રીએ રાજ્યના તમામ નાગરીકોને તથા વહીવટી કચેરીઓના વડાઓને આ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના ઈ-ગવર્નન્સને આગળ ધપાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.