Abtak Media Google News

રેડ ઝોન સિવાય ડ્રોન ઉડાડવા માટે મંજુરીની જરૂરિયાત ખત્મ! ડ્રોન ટેકનોલોજીથી દેશનો ખૂણે-ખૂણો ખેડી શકાશે

ભારતભરમાં અનેકવિધ સંશોધનો હાથ ધરવામાં આવતા હોય છે અને સાથોસાથ નવા આવિષ્કારો પણ કરવામાં આવે છે પરંતુ ૨૧મી સદીમાં માનવરહિત સંશોધનો અંગે ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે. માનવરહિત સંશાધનો આવનારા સમયમાં શું સવલત આપશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. માનવરહિત સંશોધન અંગે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો હાલ ડ્રોન ટેકનોલોજી જે વિકસિત થઈ રહી છે તે મુખ્યત્વે માનવરહિત છે ત્યારે આવનારા સમયમાં વૈજ્ઞાનિકો પણ આ સિસ્ટમ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી નવા આવિષ્કારોને અપનાવશે.

ભારતમાં આકાશને ડિજિટલાઈઝ કરવા માટે સરકાર દ્વારા ડ્રોનનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. ડ્રોનનો ઉપયોગ ગ્રીન ઝોન કે યેલો ઝોનમાં પણ થઈ શકતો ન હતો પરંતુ ડિજિટલ સ્કાય યોજના હેઠળ રેડ ઝોન સિવાય ડ્રોન હવે ગ્રીન ઝોન અને યેલો ઝોનમાં પણ ઉડાડી શકાશે જે માટે નો પરમિશન, નો ટેક ઓફ પ્રોટોકોલ અંતર્ગત કાર્ય હાથ ધરાશે. જે કોઈ લોકોએ રેડ ઝોનમાં ડ્રોન ઉડાડવું હોય તો તેઓએ પરવાનગી લેવી અનિવાર્ય અને ફરજીયાત બની છે. રેડ ઝોન અંગે જો વાત કરવામાં આવે તો એરપોર્ટ, બોર્ડર એરીયા, ડિફેન્સ એકેડેમી અને સ્ટ્રેટેજીક ઈનસ્ટોલેશનની જગ્યા પર ડ્રોન ઉડાડવા ન દેવાની પણ સુચના આપવામાં આવી છે. હાલ જે પ્રકારે પરવાનગી ડ્રોન ઉડાડવા માટે આપવામાં આવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે, હવે ડ્રોનનો ઉપયોગ કોમર્શિયલ લેવલથી જ કરવામાં આવશે. દેશનાં ૭૦ ટકા વિસ્તારમાં ડ્રોનને ઉડાડી શકાશે જેથી દેશનાં ખૂણે-ખૂણાને ખેડવામાં પણ અત્યંત મદદગાર અને ઉપયોગી સાબિત થશે.

ડ્રોનનો ઉપયોગ થવાથી પરિવહનમાં ખુબ સાનુકૂળતા રહેશે. કોઈપણ ચીજવસ્તુઓને એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરી શકાશે. સરકાર દ્વારા ડિજિટલ સ્કાય યોજના થકી આવનારા બે વર્ષની અંદર સિંગલ વિન્ડો પ્લેટફોર્મ ઉપરથી ડ્રોન ઉડાડવા માટેની પરવાનગીઓ આપવામાં આવશે. ૧૫ ઓગસ્ટ બાદ જે ડ્રોન એનપીએનટી પ્રોટોકોલને અપનાવશે તો તે ગ્રીન અને યેલો ઝોનમાં પણ ડ્રોનને ઉડાડી શકશે. ડ્રોન માટે જાહેર કરવામાં આવેલી નવી યોજના થકી સ્થાનિક ઉત્પાદકોને વધુને વધુ વેગ મળશે અને જે ઉત્પાદક ઉચ્ચ ગુણવતાવાળા ડ્રોનનું નિર્માણ કરશે તેઓને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવશે. ડ્રોન ઉત્પાદકો અને ડ્રોન ઉડાડનાર પાયલોટને પરવાનગી માટે ઘણીખરી મથામણ અને પરવાનગી લેવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે નવી યોજના થકી ડ્રોન ઉત્પાદકોને પરવાનગી આપવામાં આવશે. ડ્રોન બનાવનાર કંપનીઓ હવે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ થકી ડ્રોનના ઉત્પાદન માટેની પરવાનગી મેળવી શકશે. અંતમાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, હવે ડ્રોનનો ઉપયોગ કોમર્શિયલી કરવામાં આવશે જેનો ફાયદો દેશને મળવાપાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.