Abtak Media Google News

ભાવિકોને મંદિરમાં દર્શન કરવા આવવાને બદલે ઓનલાઇન દર્શન કરવાની સંતોની અપીલ

હાલ કોરોનાના જોખમને કારણે સરકારે અનેકવિધ આગમચેતીના પગલાં લઈ લીધા છે. ત્યારે વિવિધ સંસ્થાઓ પણ જન આરોગ્યને ધ્યાને રાખીને વિવિધ પગલાઓ લઈ રહી છે. ભીડ એકત્ર થવાથી કોરોનાનું જોખમ વધતું હોય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમા સત્સંગ સભા સહિતના કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ભાવિકોને દર્શન માટે રૂબરૂ આવવાને બદલે ઓનલાઇન દર્શન કરી લેવાની અપીલ પણ કરવામાં આવી છે.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં લઈને જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જાગૃત થવું અત્યંત જરૂરી છે.ખાસ કરીને મોટી સંખ્યામાં એકત્રિત થતા સમુદાયો અને સભાઓને મર્યાદિત કરવાનું ખૂબ જ જરૂરી બન્યું છે. આથી, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે વિવેક અને સાવધાનીની દૃષ્ટિએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા (ભારત) દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક સાધુ ઈશ્વરચરણદાસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જેમાં હવે  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં તમામ શિખરબદ્ધ મંદિરો, હરિમંદિરો તેમજ બાળ-કિશોર-યુવા-મહિલા-સંયુક્ત વગેરે સહિત તમામ સત્સંગ કેન્દ્રોમાં યોજાતા રવિ સત્સંગ સભા, અઠવાડિક સત્સંગ સભા કે રોજિંદી સત્સંગ સભાઓના કાર્યક્રમો, તમામ જાહેર કાર્યક્રમો, તમામ ઉત્સવો, પૂનમ કે એકાદશીના કાર્યક્રમો, મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવો કે પાટોત્સવ વગેરે મોકૂફ રાખવામાં આવેલ છે. તેને બદલે ઓનલાઈન કે પ્રસારણ માધ્યમો દ્વારા ઘરે બેઠાં સૌને સત્સંગસભાનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

1.Monday 2

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં ભારતનાં તમામ મંદિરોમાં દર્શન અને અભિષેક  રાબેતા મુજબ ખુલ્લાં રહેશે. આમ છતાં મંદિરોમાં દર્શન માટે આવેલા ભક્તો વધુ સંખ્યામાં એકત્રિત ન થાય તે માટે સાવધાની રાખવા જણાવાયું છે. ૭૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા કે જેઓ તાવ, શરદી, ખાંસી કે ફ્લુ જેવાં ચિન્હો સાથે બીમારી ધરાવતા હોય તેઓ વિશેષરૂપે ઘરે જ રહે અને મંદિરે દર્શને ન આવે તેવી અપીલ કરાઈ છે. હવે પછીથી જણાવવામાં ન આવે ત્યાં સુધી હરિભક્તોએ મંદિરોની સામુહિક કે વ્યક્તિગત દર્શનયાત્રાઓ ન યોજવા પણ જણાવાયું છે. મંદિરોની મૂર્તિઓનાં દર્શન અને નિત્ય સત્સંગનો લાભ બી.એ.પી.એસ. સંસ્થાની વેબસાઈટ તથા એપ દ્વારા લઈ શકાશે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાન્નિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો, સંતો તેમજ સૌ કોઈના સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષમાં લઈને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતો એક જ સ્થાનમાં રહેશે અને તેમના સાન્નિધ્યમાં યોજાનાર તમામ કાર્યક્રમો, તેમનું વિચરણ કે મુલાકાતો વગેરે નવી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. હવે પછી જણાવવામાં ન આવે ત્યાં સુધી સંત-વિચરણ અને પારિવારિક શાંતિ અભિયાન મોકૂફ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.