Abtak Media Google News

આર્થિક સર્વે રજૂ કરતા નાણામંત્રી

વિકાસ દર ગત વર્ષ કરતા નીચો રહેવાનો અંદાજ, તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા મુખ્ય દેશોમાં રહેશે

વિશ્વભરમાં મંદીના ઓછાયા વચ્ચે ભારતનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં 6.5% પર રહેશે.  જો કે, તે ચાલુ નાણાકીય વર્ષમાં 7% અને પાછલા નાણાકીય વર્ષ એટલે કે 2021-22ના 8.7% ના આંકડા કરતા ઓછો છે.  મંગળવારે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વે 2022-23માં આ આંકડાઓ સામે આવ્યા છે.  તેમાં વિકાસ દર નીચો રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા મુખ્ય દેશોમાં રહેશે.

ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના યુગ પછી ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી અન્ય દેશોની સરખામણીએ ઝડપી રહી છે.  સ્થાનિક માંગમાં વધારો અને મૂડી રોકાણને કારણે આ શક્ય બન્યું છે.  જો કે, સર્વેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે વિશ્વભરમાં કિંમતો વધવાથી ચાલુ ખાતાની ખાધ વધી શકે છે.  તેનાથી રૂપિયા પર દબાણ આવી શકે છે.  જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે તો રૂપિયાનું અવમૂલ્યન થઈ શકે છે.  લાંબા ગાળે દેવું મોંઘુ પડી શકે છે.ખરીદ શક્તિ સમાનતાની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ઇકોનોમિક સર્વે જણાવે છે કે ચાલુ ખાતાની ખાધને ફાઇનાન્સ કરવા માટે ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે.  તે રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાના હેતુ માટે પણ પૂરતું છે.

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાનો સામનો કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થા વિકાસના માર્ગ પર આગળ વધી છે.  અન્ય ઘણા દેશોની તુલનામાં ભારતે નાણાકીય વર્ષ 2022માં પહેલાથી જ પ્રી-કોરોના સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.  જો કે સર્વેમાં મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે મોંઘવારી પર અંકુશ લાવવાનો પડકાર હજુ પણ અકબંધ છે.  યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સર્વે અનુસાર,આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા પગલાં બાદ નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર આરબીઆઇના સહનશીલતા બેન્ડથી નીચે આવી ગયો છે.  વિશ્વની મોટા ભાગની કરન્સી કરતાં ભારતીય ચલણ ડોલર સામે સારું પ્રદર્શન કરી રહ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ એટલે કે કેપેક્ષ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ આઠ મહિનામાં 63.4 ટકા વધ્યો છે.  ગત વર્ષની સરખામણીએ તેમાં વધારો નોંધાયો છે.  તે જ સમયે, જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન ઇસીએલજીએસ  દ્વારા સમર્થિત એમએસએમઇ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ 30.6 ટકાથી વધુ રહી છે.

એમએસએમઇના ક્રેડિટ ગ્રોથમાં 30.6 ટકાનો વધારો થશે

આર્થિક સર્વેક્ષણ પ્રમાણે દેશની આર્થિક વ્યવસ્થા ચાલુ નાણાકિય વર્ષના 7 ટકાની તુલનામાં 6.5 ટકાથી વધશે. ગત વર્ષમાં વિકાસ દર 8.7 ટકા રહ્યો હતો. ભારત વિશ્વમાં સૌથી વધુ આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં એમએસએમઇના ક્રેડિટ ગ્રોથમાં 30.6 ટકાનો વધારો થશે.

કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થવાનું અનુમાન

ઇસીએલજીએસના કારણે એમએસએમઇના ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થવાનું અનુમાન છે. જ્યારે કોર્પોરેટ અને બેંકિંગ સેક્ટરની બેલેન્સ શીટ મજબૂત હોવાનો પણ દાવો કરાયો છે. પીએમ ગતિ શક્તિ અને નેશનલ લોજિસ્ટિકથી મેન્યુફેક્ચરિંગને મજબૂતી મળશે.

શુ હોય છે આર્થિક સર્વે ?

જેમ મધ્યમવર્ગના પરિવારોમાં હિસાબ-કિતાબ માટે ડાયરી બનાવવામાં આવે છે, જેથી મહિના કે વર્ષના અંતે એ જાણી શકાય કે કેટલી કમાણી થઈ, કેટલી બચત થઈ અને ક્યાં-કેટલો ખર્ચ થયો તથા આગળના ખર્ચનો અંદાજ શું છે. એ જ રીતે આર્થિક સર્વે એ દેશની આર્થિક સ્થિતિનો હિસાબ-કિતાબ હોય છે.

આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે ?

નાણામંત્રાલયમાં એક વિભાગ છે ઈકોનોમિક અફેર્સ. એમાં એક ઈકોનોમિક ડિવિઝન હોય છે. આ ઈકોનોમિક ડિવિઝન ચીફ ઈકોનોમિક એડવાઇઝર એટલે કે સીઈએની દેખરેખમાં ઈકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે. હાલમાં સીઈએ ડો. વી. અનંત નાગેશ્વરન છે.

આર્થિક સર્વે કેમ જરૂરી હોય છે ?

આર્થિક સર્વે અનેક રીતે જરૂરી હોય છે. ઈકોનોમિક સર્વે એક પ્રકારે આપણી અર્થવ્યવસ્થા માટે ડાયરેક્ટરની જેમ કામ કરે છે, કારણ કે એનાથી જ જાણી શકાય છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને એમાં સુધારા માટે આપણે શું કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.