Abtak Media Google News

લાલપુરના પીપળીથી મજૂરીકામ માટે જામનગરના દરેડમાં આવતા એક શ્રમિકને અમારી રિક્ષામાં કેમ નથી આવતો? તેમ કહી એક મહિલા સહિત આઠ વ્યક્તિઓએ માર માર્યાની અને સમજાવટ કરવા ગયેલા તે શ્રમિકના પિતાને પણ ધોકાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના પીપળી ગામના રહેવાસી મહેશભાઈ મકવાણા જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં મજૂરીકામ માટે રોજ આવનજાવન કરતા હતા જેના માટે તેઓ કિશન માલાભાઈ અને મિતેશ માલાભાઈની રિક્ષામાં બેસતા હતા.

તે દરમ્યાન થોડા દિવસોથી મહેશભાઈ આ બન્ને શખ્સોની રિક્ષામાં આવતા-જતા ન હોય ગઈકાલે રાત્રે કિશન, મિતેશ અને માલાભાઈ મકવાણા, દિનેશ માલાભાઈ, અમિત અમુભાઈ, ચમનભાઈ અમુભાઈ, વલ્લભભાઈ મકવાણા અને માલાભાઈના પત્નીએ મહેશભાઈને રોકી તું અમારી રીક્ષામાં કેમ નથી આવતો? તેમ કહી ઝઘડો શરૃ કર્યો હતો.

આ વેળાએ વાત વણસી જતાં ઉપરોકત વ્યક્તિઓએ ગાળો ભાંડી હતી તેથી ઘેર ચાલ્યા આવેલા મહેશભાઈએ પોતાના પિતા હેમતભાઈ લખુભાઈ મકવાણાને ઘરે જઈ વાત કરતા હેમતભાઈ સમજાવટ કરવા માટે ગયા હતા. તેઓને આવતા જોઈ ઉપરોકત મહિલા સહિતના આઠેય વ્યક્તિઓએ ધોકા, સળિયા વડે પિતા-પુત્ર પર હુમલો કરી બેફામ માર માર્યો હતો. બન્ને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી હેમતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.