Abtak Media Google News

મનોદિવ્યાંગ દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને ડે  કેર તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવા કરાતું ઉમદા કાર્ય

એક વિચારબીજ કલ્પવૃક્ષ બની અન્યના જીવનનું ઉત્થાન કરીને માનવતાની સરવાણી બનીને અન્ય માટે પ્રેરણસ્રોત બનતી હોય છે. તેવું વિચારબીજ રોપીને મનોદિવ્યાંગ બહેનો માટે કલ્યાણકારી બની છે   દીપિકાબેન પ્રજાપતિ દ્વારા સંચાલિત “એકરંગ” સંસ્થા. સંતાનમાં દિકરી ન હોવાને કારણે અને મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં આત્મસભર જીવન આપવા માટે પતિ કમલેશભાઈ પ્રજાપતિ સાથે શરૂ કરેલી “એકરંગ” સંસ્થા આજે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં અનેક રંગો ભરી રહી છે.

છેલ્લા 12 વર્ષથી સંપૂર્ણ દાતાઓના સહયોગથી ચાલતી “એકરંગ” સંસ્થામાં માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર, એક વાલી ધરાવનાર, આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવનાર જરૂરિયાતમંદ મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસીટ હાયપર એકટીવિટી ડીસ ઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે 45 મનોદિવ્યાંગ દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને ડે કેર તાલીમ આપીને તેનો નિભાવ કરવામાં આવે છે. સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલીટી ઘટાડવા અને પોતાનું કામ જાતે કરી શકે તેટલી સક્ષમ બનાવવાના મુખ્ય હેતુ ખાનગી ડોકટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ, સેન્સરી ઇન્ટીગ્રેશન, સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે. તેમજ સ્પેશિયલ એજ્યુકેશન, પ્રિ – વોકેશનલ તાલીમ,  બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

45 મનોદિવ્યાંગ દિકરીઓને પોતાની દિકરીની જેમ હૂંફ આપતા સંસ્થાના સંચાલક  દીપિકાબેન પ્રજાપતિએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, સમાજનો અમુક વર્ગ આજે પણ સામાન્ય દિકરીઓને બોજ માનતા હોય છે ત્યારે મનોદિવ્યાંગ દિકરીની સાર સંભાળ રાખવામાં ઘણી ધીરજ, વિશાળ હદય અને સવિશેષ સેવાની જરૂર હોય છે. મારી સંસ્થામાં મોટાભાગની દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે તે સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે અને પોતાનું કામ જાતે કરીને આત્મનિર્ભર બને તેના ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવે છે. થેરાપી અને તાલીમ આપીને સંસ્થાની 6 થી 7 જેટલી મનોદિવ્યાંગ દિકરીઓની દિવ્યાંગતા ઘટાડીને સમાજમાં પુન: સ્થાપિત કરી છે. આજે તેઓ તેના પરિવાર ઉપર બોજ બન્યા વિના સ્વયંની સાથે પરિવારને પણ મદદ રૂપ બની રહી છે.

ઔદ્યોગિક વિસ્તારમાં લોખંડના ઘોંઘાટ વચ્ચે મનોદિવ્યાંગ દિકરીઓની દેખભાળ કરી માનવધર્મનું કામ કરીને શાંતિનો અનુભવ કરાવતી એકરંગ સંસ્થાનો ભાગ બનવું સમાજના દરેક વર્ગ અને લોકોની જવાબદારી છે. સેવાકીય કામોમાં તનની સેવા સાથે ધનની સેવા પણ એટલી જ જરૂરી છે.  ત્યારે આ માનવધર્મનો ભાગ બનીને દિકરીઓને મુખ્યપ્રવાહમાં જોડવા આર્થિક રીતે મદદરૂપ ભારતનગર ચોક, ગુજરાત ફોર્જીંગ કંપની પાછળ, 80 ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે, રાજકોટ – 360003, મોબાઈલ નંબર 9137690064 પર સંપર્ક સાધીને સંસ્થાની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત કર્ણાટક બેંક લિમીટેડના ખાતા નં:6582000100049701, IFSC: KBRB0000658, ખાતાનું નામ ’એકરંગ ચિલ્ડ્રન્સ ડેવેલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ’ અથવા UPI ID: aekrangkbl પર આર્થિક સહાય કરી શકો છો. તેમજ વધુ વિગતો www. aekrang. org વેબસાઈટ પરથી મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.