Abtak Media Google News
  • અમદાવાદ તરફથી રાજકોટ આઇસરમાં લઇ જવાતો વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એકને દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ-અમદાવાદ હાઈવે દિન પ્રતિદિન દારૂનું પીઠું બનતું જતું હોય તે પ્રકારના અહેવાલો છાશવારે સામે આવી રહ્યા છે. આ હાઈવે પરથી અવારનવાર દારૂ-બિયરનો સહિતનો જથ્થો મળી આવતો હોય દરમ્યાન વધુ એકવાર મોરબી એલસીબીએ દરોડો પાડીને આઇસરમાંથી સાત હજાર જેટલી દારૂ-બિયરની બોટલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

મોરબી એલસીબી ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઇસર ગાડીમાં અમદાવાદ તરફથી રાજકોટ લઇ જવાતો વિદેશી દારૂ-બિયરના ૭,૧૬૪ નંગ બોટલ/ટીન કિ.રૂ.૧૩.૯૦ લાખથી વધારેના જંગી જથ્થા સાથે આઇસર ચાલકની ધરપકડ કરી છે. જયારે માલ મંગાવનાર તથા અન્ય એકના નામ ખુલતા તે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે દારૂ બિયરનો જથ્થો, આઇસર ગાડી રોકડા તથા એક મોબાઇલ સહીત કુલ ૨૪ લાખથી વધારે કિંમતનો મુદામાલ એલસીબી પોલીસે કબ્જે કર્યો છે.

મોરબી એલસીબી પોલીસના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ તથા પો.કોન્સ.વિક્રમભાઇ ફુગશીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક આઇસર નંબર-જીજે-૧૫-એએક્સ-૦૧૯૪ રાજકોટ તરફ જનાર છે જે આઇસરમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ટ્રી ડ્રાઇવર વિજય હોટલ સામે વોચ ગોઠવતા ઉપરોકત આઇસર ગાડી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦એમએલની કુલ ૨,૬૦૪ નંગ બોટલ તથા બિયરના ત્રણ બ્રાન્ડના ૪,૫૬૦ નંગ ટીન એમ કુલ ૭,૧૬૪ નંગ બોટલ/ટીન જેની કુલ કિ.રૂ. ૧૩,૯૦,૮૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે આઇસર ગાડી, રોકડ તથા એક મોબાઇલ સહીત ૨૪,૦૨,૩૦૦/-નો મુદામાલ જપ્ત કરી આઇસર ગાડીનો ચાલક સુભાષસીંગ કેદારસીંગ સીંગ ઉવ-૩૪ રહે. મેનીજોર પોસ્ટ-ગાદી વીશનપુર થાણા-ખૈરા જી.જમુઇ બિહારની ધરપકડ કરવામાં આવી છે. જયારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં અન્ય આરોપી હેમંતભાઇ પટેલ રહે.દમણ તથા માલ મંગાવનારનું નામ ખુલતા તેમને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.