Abtak Media Google News

માવતરને ક’માવતર ન જ ગણાય

નિરાશ થઈ ઘર છોડી દેનાર વૃદ્વાના પુત્રને શોધી પારિવારિક મિલન કરાવતા મૌન વૃદ્વાની આંખોમાં શ્રાવણ છલકાયો

છોરૂ કછોરૂ થાય પણ માવતર  ક’માવતર ન થાય પતિનના  મૃત્યુ બાદ  નિરાશામાં   ઘર છોડી દેનાર વૃધધાના પુત્રને સમજાવી  એલ્ડરલાઈન  14567ની ટીમે વૃધ્ધાનું   પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુ.

Advertisement

કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન 14567 શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં એલ્ડરલાઈન અને 108 ટીમ દ્વારા દયનિય હાલતમાં જીવતા એક અસ્વસ્થ વૃદ્ધાના પરિવારની શોધખોળ કરી તેમના પુત્રને સમજાવી તેમની સાથે પુન: મિલન કરાવવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર મુળના પણ રાજકોટમાં પરિવાર સાથે સ્થાયી થયેલા જમુનાબેન તેમના પતિનું કેન્સરથી મૃત્યુ થતા તેમનું મન ઉઠી ગયું અને તેઓ ઘર છોડીને નિકળી ગયેલા. તેમને ઘરે જવું પસંદ ન હોવાથી છેલ્લા 15 વર્ષથી ભિક્ષાવ્રુત્તિ કરી જીવન ગુજારતા અને ઘેર ન જતાં. એક સમાજસેવી દ્વારા એક આશ્રમમાં મોકલાયા બાદ તેઓ થોડા સમય પછી બાલાજી હનુમાન મંદીર જતા રહ્યા અને અન્નક્ષેત્રનું ભોજન લઇ એકલતા અને અવસાદભર્યું જીવન તેઓ ભગવાનના સાંનિધ્યમાં રહી વિતાવતા હતા.

આ દરમિયાન તેમની તબિયત ખરાબ થતા તેમજ માનસિક સ્થિતી ગંભીર બનતા તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા. તેમની સાથે કોઇ સ્વજન ન હોવાથી સારવાર બાદ એલ્ડરલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો. તેમના પરીવારની શોધખોળ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં. કાઉન્સેલર છગનભાઇ પરમાર અને પ્રતિકભાઇ બારોટે તેમની માનસિક સ્થિતિ જોતા તેમને સમજાવી તેમના ઘરે પરત જવા સહમત કર્યા. આખરે તેમના એકમાત્ર પુત્રને શોધી વ્રુદ્ધાને મળાવતા પુત્રે તેમને ઘેર લઇ જવા અસહમતી દર્શાવી હતી.

રાજકોટ જિલ્લાના એલ્ડરલાઈન ફિલ્ડ રીસ્પોન્સ ઓફીસર રાજદીપ પરમારે જણાવ્યા અનુસાર ઉપરોક્ત સમગ્ર ઘટના બાદ વ્રુદ્ધાને પરીવારમાં આશ્રય મળે તે માટે તેઓ પુત્ર અને પુત્રવધુને સમજાવવા સિનિયર કર્મચારી ભાવનાબેન સોની સાથે તેમના ઘરે પહોંચ્યા હતાં. તેમનું કાઉન્સેલિંગ કરીને માતા પિતાના ઉપકાર તેમજ તેઓ જે કોઇ પણ મુકામે આજે છે, તેમાં માતા-પિતાની પાયારૂપ ભૂમિકા અને સમર્પણની યાદ અપાવીને તેમની અંદરની સજ્જનતા અને જવાબદારીની ભાવના જાગ્રત કરીને નિ:સહાય માતાની માનસિક સ્થિતિ સામે જોઇ તેમને રાખવા અને તેમની સેવા કરવા માટે તૈયાર કર્યા હતાં. લગભગ 85 વર્ષની ઉંમરના આ વ્રુદ્ધા વર્ષો પછી તેમના પુત્રને મળતા સંપુર્ણ મૌન થઇ ગયા હતા તેમજ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. નિ:સહાય વ્રુદ્ધાને પરીવાર સાથે પુન: મિલન કરાવીને આશ્રય અપાવવાની આ સરાહનીય કામગીરી એલ્ડરલાઇન રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. એલ્ડરલાઈન દ્વારા વરિષ્ઠ નાગરિકોને સહાય કરવામાં આવે છે.

આ માટે સવારના 8 થી સાંજના 8 વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સિનીયર સીટીઝન (એન.એચ.એસ.સી)નો 14567 પર સંપર્ક કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.