રાજકોટ-મોરબી વચ્ચે આજથી ઇલેક્ટ્રિક બસ દોડતી થઇ

90 રૂપિયા ભાડામાં એસી બસમાં મુસાફરી : દરરોજ 10 ટ્રીપ દોડશે: વધુ 15 બસો આગામી માસમાં દોડતી થશે

 

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા આજથી રાજકોટ-મોરબી રૂટ ઉપર પ્રથમ વખત જ ઇલેક્ટ્રિક એસી એસટી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. રાજકોટ એસટી ડેપોમાં પ્રથમ 5 ઇલેક્ટ્રિક બસ આવતા આ તમામ બસને મોરબી રૂટ ઉપર દોડાવવા નક્કી કરી આજથી 90 રૂપિયા ભાડામાં મુસાફરોને એસીની મજા કરાવશે.

સમગ્ર સોરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા રાજકોટ-મોરબી રૂટ ઉપર આજથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ દોડતી કરવામાં આવી છે. રાજકોટ એસટી ડેપોના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ ડિવિઝનને કુલ 20 ઈલકટ્રીક એસટી બસ ફાળવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે 5 ઇલેક્ટ્રિક બસ આવતા આજથી મોરબી – રાજકોટ રૂટ ઉપર આ પાંચેય બસ ફાળવી કુલ 10 ટ્રીપ ગોઠવવામાં આવી છે.વધુમાં એરકંડીશન સુવિધા વાળી આ બસમાં મોરબી – રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે

આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એક વખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર દોડતી હોય મોરબી-રાજકોટ વચ્ચે મુસાફરોને 90 રૂપિયામાં ઠંડા-ઠંડા કુલ-કુલની અનુભૂતિ થશે.