Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી, શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૫૦માં જન્મજયંતિ વર્ષની ૧૪ નવેમ્બર ૨૦૧૬ કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શરુઆત થઇ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓશ્રીના પરમ ભકત પુજય ગુરુદેવશ્રી રાકેશભાઇ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોર્તિમય કરીએ પ્રસ્તુત છે શ્રીમદ્દ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધનારુપ જીવનની યશોગાથા

શ્રીમદ્દે ચૌદ પૂર્વઘર શ્રી ભદ્રબાહુસ્વામીએ સંસ્કૃતમાં રચેલા શ્રી ભદ્રબાહુસંહિતા નામના અપૂર્ણ ગ્રંથનું પણ ગહન અઘ્યયન કર્યુ. શ્રીમદ્દના ભદ્રબાહુસંહિતા ગ્રંથ અવલોકવા અંગે ભરુચનિવાસી શ્રી અનુપચંદ મલુકચંદે પોતાના પ્રશ્ર્નોત્તરરત્નચિંતામણી ગ્રંથમાં વર્તમાન કાળે આયુષ્ય કેટલું હોય તે અંગેના ૧૨૧માં પ્રશ્ર્નના ઉત્તરમાં ઉલ્લેખ કર્યો છે. આ વયોવૃઘ્ધ ‚ઢિચુસ્ત જૈન શેઠ શ્રી અનુપચંદભાઇને પણ જયોતિષનું સારું જ્ઞાન હતું. ભરુચમાં એમને ત્યાં શ્રીમદ્દ એકવીસ વર્ષ વિ.સં. ૧૯૪૫ ના માગસર તથા અષાઢ માસમાં રહ્યા હતા. ત્યારે પ્રાસંગિક ચર્ચામાં ઉપરોકત ભદ્રબાહુસંહિતા ની વાતનો પ્રસંગ બન્યો હોવાનો સંભવ છે.

વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રી શંકર પંચોળીએ તેમની પ્રશ્ર્નકુંડળી બનાવી હતી. તે જ પંચોળીને એક વર્ષ પછી વિ.સં. ૧૯૪૩ ના આસો માસમાં જેતપરમાં શ્રીમદ્દે જયોતિષની નષ્ટવિઘાના પ્રયોગથી આશ્ર્વર્યમુગ્ધ કર્યા હતા. જયોતિષની આ નષ્ટવિઘાનો એવો પ્રકાર છે કે સાલ, માસ, તિથિ, વાર, સમય વિનાની સાચી કુઁડળી ઉપરથી સાલ, માસ, તિથી, વાર, સમય બરાબર કહી દેવા, આ અદભુત પ્રયોગથી અચંબો પામેલા શ્રી શંકર પંચોળીએ તે વિઘા શીખવવાની વિજ્ઞપ્તિ કરતા શ્રીમદ્દને કહ્યું કે આ વિઘા તો બ્રાહ્મણની અમૂલ્ય વિઘા છે. તે વિઘાનો જાણકાર હજારો ‚પિયા કમાય અને પૂજાય, હલા આ વિઘાના જાણકાર એક જ વિદ્વાન છે:, જેઓ કાશીમાં રહે છે. એમ કહી તેમણે શ્રીમદ્દને તે વિઘા શીખવવાની કૃપા કરવા વિનંતી કરી. તેના પ્રત્યુત્તરમાં શ્રીમદ્દે જણાવ્યું કે તે વિઘા માત્ર શિખવાડયાથી આવડે તેમ નથી. તેમા અતિશય સ્મરણશકિત અને ચિત્તની એકાગ્રતા તથા સ્થિરતા જોઇએ. એ ગણિતનો વિષય છે. અને બળવાન ઉપાદાન હોય તો જ શીખવનાર ગુરુ દ્વારા આવડી શકે. આ ઉપરાંત શ્રીમદ્દે મનુષ્યનાં હાથ, મુખ વગેરેનું અવલોકન કરીને તેના ભવિષ્યનું કથન કરવાની વિઘા અંગવિઘા અથવા સામુદ્રિકશાસ્ત્રવિઘા પણ હસ્તગત કરી હતી.

શ્રીમદ્દના આ અસાધારણ જયોતિષવિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરતાં શ્રીમદ્દને જયોતિષની બાબતમાં ફલાદેશ પૂછનારાઓની સંખ્યા વધતી જ ગઇ અને તેથી તેમને તે પ્રવૃત્તિ પોતાના ઇષ્ટ પરમાર્થ માર્ગમાં વિઘ્ન‚પ જણાવા લાગી. પરિણામે આત્માર્થમાં બાધક એવા આ વિષયને અપરમાર્થ‚પ- કલ્પિત ગણી તે પ્રત્યે શ્રીમદ્દ વિશેષ ને વિશેષ ઉપેક્ષિત થતા ગયા. જયોતિષ પ્રત્યે વૈરાગ્ય આવવાનું બીજું એક નિમિત્ત પણ શ્રીમદ્દને મળ્યું હતું. વિ.સં. ૧૯૫૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઇ ભગુભાઇના વંડે શ્રીમદ્દે અવધાન કરી દેખાડયા હતા. ત્યાં તેમના જયોતિષજ્ઞાનનો અનેક વ્યકિતઓએ લાભ લીધો હતો. ત્યારે કોઇ બીમાર વ્યકિત માટે પ્રશ્ર્ન કરવામાં આવતા તેનું અનિષ્ટ દેશી દયાર્દ્ર શ્રીમદ્દ ને ખુબ લાગી આવ્યું. તે વખતે તો પૂછનારને સાચો જવાબ આપ્યો અને કહ્યું, અમારે શું આવા દુ:ખદ સમાચાર આપવા ? આ પ્રસંગે તેમના કરુણાર્દ્ર અંતર ઉપર એવી અસર કરી કે તેઓ જયોતિષ પ્રત્યે વધુ ઉદાસીન થયા. જયોતિષશાસ્ત્રમાં પ્રવીણ શ્રીમદ્દે વિ.સં. ૧૯૪૭માં એ જ્ઞાનને બોજારુપ ગણી સાવ છોડી દીધું હતું અને પછીથી તે તરફ જોયું પણ ન હતું. ત્યારપછી કોઇપણ વ્યકિતને એ બાબતમાં કશો ઉત્તર  આપતા નહી અને જેમ બનવાનું છે તેમ જ બને છે એમ જણાવી પૂછનાર વ્યકિતના મનનું સમાધાન કરતા. એક વખતે કોઇ માંદા માણસ  અંગે તેમનાં પૂજય માતુશ્રીએ ફલાદેશ પૂછતાં શ્રીમદ્દે જણાવેલું કે તેમણે એ જોવાનું છોડી દીધું છે. પ્રારબ્ધમાં હશે તેમ થશે. જે કાળે જે પ્રારબ્ધોદય હોય તેને સમપણે વેદી લેવો એ ધર્મ છે. એ વિઘા છે એ જોય છે અને એ ફલશ્રુતિ અને એ છૂટવાનો રસ્તો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.