Abtak Media Google News

વાવાઝોડાથી નહીં પણ તીડના આક્રમણથી ખરીફ પાકને મોટો ખતરો

૨૫ ડ્રોન, સ્પ્રેના સાધનો ધરાવતા ૬૦ વાહનો અને ૮૦૦ ટ્રેકટરો ઉપરાંત વાયુદળના હેલીકોપ્ટર પણ તૈનાત

ખરીફ પાક ઉપર તીડના આક્રમણનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જૂનના અંત કે જુલાઈના પ્રારંભમાં રાજસ્થાનની સરહદેથી તીડના ઝુંડના ઝુડ દેશમાં ઘુસી શકે તેવી ચેતવણી લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવી છે. આ આક્રમણને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ગયું છે. વાયુદળના હેલીકોપ્ટરની સાથો સાથ ૮૫ જેટલા સ્પ્રે મશીન ધરાવતા વાહનો તેમજ ૨૫ ડ્રોન પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી સ્પ્રે કરવામાં આવશે અને તીડથી રક્ષણ મેળવાશે.

Advertisement

અરબી સમુદ્રમાંથી દેશમાં આવી રહેલા ચોમાસાના પવનોની સાથે તીડના ટોળા પણ ઉમટી પડશે. આ તીડના કારણે ખરીફ પાક ઉપર ભયંકર જોખમ છે. જેમ-જેમ પવનોની ગતિ વધશે તેમ તેમ તીડ ઝડપથી દેશમાં પ્રવેસશે. એક દિવસમાં ૧૫૦ કિલોમીટરનું અંતર કાપી તીડ દેશમાં પ્રવેશી શકે છે. આ તીડનું બીડીંગ આફ્રિકન દેશોમાં થઈ રહ્યું છે. આફ્રિકન દેશોમાંથી ચોમાસુ પવનોની સાથે દેશમાં આવી જશે અને લાખો એકર જમીન પર પથરાયેલા પાકને નુકશાન કરશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ગયા મહિને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં તીડનો પગપેસારો થયો હતો. ગુજરાતમાં છેક રાજકોટ નજીક એટલે કે, મોરબી સુધી તીડ આવી પહોંચ્યા હતા. આવા સંજોગોમાં હવે ફરીથી તીડના આક્રમણની વકી છે. જેને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. તીડના આક્રમણને ખાળવા માટે ૨૫ ડ્રોન તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત સ્પ્રે કરી શકે તેવા સાધનો ધરાવતા ૬૦ જેટલા વાહનો પણ તૈનાત કરાશે. થોડા સમય પહેલા થયેલા તીડના આક્રમણ વખતે ઉપયોગમાં લેવાયેલા ૮૦૦ ટ્રેકટર તો ખડેપગે રખાયા જ છે. ઉપરાંત ડિઝાસ્ટર રીલીફમાંથી પણ ૧૦૦ જેટલા ફાયર ફાઈટર વાહનો મંગાવવામાં આવશે.

આફ્રિકામાંથી ચોમાસુ પવનોની સાથે તીડનો ટોળા ભારતમાં પ્રવેશે તેવી દહેશત

સામાન્ય રીતે તીડનું બ્રિડીંગ આફ્રિકન દેશોમાં થતું આવ્યું છે. આફ્રિકન દેશોમાંથી જ તીડના ટોળા અન્ય દેશોમાં પ્રવેશે છે. જે દેશમાં તીડના ટોળાનું આક્રમણ થાય ત્યાંના પાકને ગંભીર નુકશાન પહોંચાડતા હોય છે. તીડ પવન જે દિશામાં ગતિ કરે તે દિશામાં આગળ વધે છે. વર્તમાન સમયે અરબી સમુદ્રમાંથી ભારત તરફ ચોમાસુ પવન ફૂંકાઈ રહ્યાં છે. જેનો સહારો લઈ આફ્રિકાના તીડ ભારતમાં પ્રવેસશે તેવી દહેશત સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.