Abtak Media Google News

ચક્રવાત યાસ બાલાસોરના દક્ષિણ-પશ્ચિમથી શરૂ: 130 થી 140 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ: ઓરિસ્સાથી પશ્ચિમ બંગાળના તટ વિસ્તાર પર એલર્ટ

વરસાદ સાથે વાવાઝોડાનો નાતો ભાઈબંધીનો રહ્યો છે… મોટાભાગે ચોમાસા પહેલા અને પછી ચક્રવાત આવતા જ હોય છે. તાજેતરમાં તાઉતે ચક્રવાતની પરિસ્થિતિમાં પસાર થયેલા દેશ માટે આજે ચક્રવાત યાસના સામનાનો અવસર આવ્યો છે. યાસ ચક્રવાત આગાહી મુજબ આજે વહેલી સવારે દક્ષિણ-પૂર્વ બાલાસોર નજીકથી શરૂ થતાંની સાથે જ સવારના પહોરમાં ભારે પવન અને ચક્રવાતના વાતાવરણમાં વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે.

બપોર સુધીમાં આ વાવાઝોડુ ઉત્તર ઓરિસ્સાથી પશ્ર્ચિમ બંગાળ સુધીના તટીય વિસ્તાર અને દક્ષિણ બાલાસોરથી લઈને ઉત્તરમાં ધર્મા વિસ્તાર સુધી આગળ વધી રહ્યું છે. 130 થી 140 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા પવનને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે તાંડવનું દ્રશ્ય સર્જાયું છે. વાવાઝોડા યાસના આગમન અને તિવ્રતાને લઈને મંગળવારે સાંજ સુધીમાં જ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા નિચાણવાળા વિસ્તાર અને દરિયાકાંઠામાં રહેતા 20 લાખથી વધુ લોકોને સલામત સ્થળાંતર કરાવ્યું હતું.

યાસ વાવાઝોડાની અસર શરૂ, જુઓ દરિયાનું રૌદ્ર સ્વરૂપ, જુઓ વીડિયો

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 11 લાખ લોકોના સ્થળાંતર અને ઓરિસ્સા સરકારે 10 લાખથી વધુનું સ્થળાંતર કર્યાનો દાવો કર્યો હતો. કોલકત્તામાં ગયા વર્ષે વાવાઝોડા એમફાનની આફત વચ્ચે સર્જાયેલા નુકશાનને ધ્યાને લઈને આ વખતે સવિશેષ તકેદારી રાખવામાં આવી છે. આ લખાય રહ્યું છે ત્યારે 9:00 વાગ્યામાં જ વાવાઝોડા યાસની અસર દેખાવાનું શરૂ થયું હતું અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.

દરિયાકાંઠાના તમામ રાજ્યોમાં બંદરો ઉપર 10 નંબરના ભયસુચક સિંગ્નલો અને માછીમારોને ગઈકાલ સાંજ સુધીમાં દરિયામાંથી પરત બોલાવી લીધા હતા. યાસની રેંજમાં આવતા તમામ રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે સંભવિત તમામ બચાવ રાહત કામગીરીની આગોતરી વ્યવસ્થા કરી લીધી હતી. કોલકત્તામાં ફલાયઓવર અને પુલને ચક્રવાતના પગલે બંધ કરી દેવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ, મીની બસને પોલીસ સ્ટેશનમાં સાબદે રાખવામાં આવી છે.

આ લખાય રહ્યું છે ત્યારે બાલાસોરથી શરૂ થયેલું ચક્રવાત ઉત્તર ધર્મા તરફ આગળ વધી રહ્યું છે. ભારે ચક્રવાત અને પવનને લઈને સ્થાનિક લોકોને તમામ રાજ્યોના વ્યવસ્થા તંત્ર દ્વારા સલામત રીતે સ્થળાંતરીત કરી લેવામાં આવ્યા છે. કોલકત્તામાં બંદર વિસ્તારમાં 2274 લોકોને મંગળવારે સાંજે સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. શહેરમાં 120 જેટલી જૂની ઈમારતો, રેનબસેરા, શાળાઓ અને જ્ઞાતિની જગ્યાઓમાં વિસ્થાપિતોને સલામત સ્થળે મોકલી દેવામાં આવયા હતા.

LIVE: ‘વાવાઝોડા પર પળપળેની નજર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ‘યાસ’ના આગમનથી ‘તબાહી’ની શરૂઆત

https://www.abtakmedia.com/live-hurricane-like-glimpse-arrival-of-yas-in-odisha-and-west-bengal-marks-the-beginning-of-catastrophe/

આ વાવાઝોડાની અસર વધુ થવાની હોય કેન્દ્રપાડા અને જગતસિંહપુર જિલ્લામાં 410 શાળા અને 117 જેટલા રાહત કેમ્પોમાં 30 હજાર લોકોને ગઈકાલ રાત્રે જ મોકલી દેવાયા હતા. 20 હજારથી વધુ ગ્રામ્ય સ્થળાંતરીતની પ્રક્રિયા ગઈકાલે રાત્રે જ પૂર્ણ કરી લેવામાં આવી હતી.

ઓરિસ્સા સરકાર માટે કોરોનાની વ્યવસ્થાની સાથે સાથે યાસ સામેની વ્યવસ્થાના બેવડા પડકારો ઉભા થયા છે. ઓરિસ્સામાં ગોપાલપુર સહિતના વિસ્તારોમાં યાસની સવિશેષ અસરના પગલે 200 જેટલી હોળીઓને દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. 12 હજારથી વધુ સૈન્ય દળ અને બચાવ રાહત કામગીરી માટે કાર્યકરોને સાબ્દે રાખવામાં આવ્યા છે.

તંત્ર માટે સલામત સ્થળાંતરની સાથે સાથે વીજ પુરવઠો યથાવત રહે અને ચક્રવાત દરમિયાન કોઈ મોટુ નુકશાન ન થાય તે માટે ઓરિસ્સા પાવર ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયારી કરી લીધી હતી. ઓરિસ્સામાં યાસથી પ્રભાવિત લોકોને બચાવવા માટે ભારતીય નૌકાદળની મદદ લેવામાં આવી છે.

ઓરિસ્સામાં અત્યારે ભારે વરસાદના લઈને સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે અલગ અલગ જિલ્લામાં 2 થી લઈ 5 ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે. વાવાઝોડાની અસર રહે ત્યાં સુધી ઓરિસ્સા, ચાંદીપુર, બાલાસોરમાં સવિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભુવનેશ્ર્વરમાં 60 થી 80 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે થાંભલા અને હોર્ડિંગ બોર્ડની સાથે સાથે ઝાડ ધરાશાયી થયાના અહેવાલો મળી રહ્યાં છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, કેન્દ્રપાડાના ધર્મા અને દક્ષિણ વિભાગના ભદ્રક જિલ્લામાં યાસની સવિશેષ અસર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાંથી ગઈકાલે જ સલામત રીતે લોકોને ખસેડી લેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળથી લઈને ઓરિસ્સા સુધીના તટીય વિસ્તારમાં અત્યારે વાવાઝોડા યાસના પગલે પવન અને વરસાદ વરસી રહ્યો છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકારે સંકલન રાખીને બચાવ રાહત વ્યવસ્થાપન ગોઠવ્યું છે.

આજે સવારથી શરૂ થયેલા વાવાઝોડા યાસની અસર પૂરી થાય ત્યાં સુધી તમામ રાજ્ય સરકારેએ વહીવટી તંત્રને સાબદે રહેવા આદેશ કર્યા છે. કોલકત્તા પોલીસ અને તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થા પર સેન્ટ્રલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નજર રાખી રહ્યું છે. ભારે પવન અને વરસાદથી ધમરોળાતા રાજ્યોમાં ભુવનેશ્ર્વરથી લઈને કોલકત્તા સુધીના વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

યાસના પગલે ભુવનેશ્વર, દુર્ગાપુર, રાઉકેલા, જારસુગડા વિમાન મથકોની તમામ કોમર્શિયલ સેવા બંધ

વાવાઝોડા યાસના પગલે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા ભુવનેશ્ર્વર, જારસુગડા, દુર્ગાપુર, રાઉકેલા, કોલકત્તા એરપોર્ટની તમામ કોમર્શિયલ ફલાઈટને વાવાઝોડાની અસર પૂરી થાય ત્યાં સુધી મંગળવારે રાત્રે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. એઆઈએના ચેરમેને જણાવ્યું હતું કે, વાવાઝોડા અને ભારે વરસાદને લઈને ઓરિસ્સા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને તમામ વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કોલકત્તા એરપોર્ટ આજે સવારે 8:30 વાગ્યાથી આવતીકાલ સુધી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. આ લખાય રહ્યું છે ત્યારે વાવાઝોડુ યાસ આગાહી મુજબ આગળ વધી રહ્યું છે. ભુવનેશ્ર્વર એરપોર્ટ પણ મંગળવારથી બંધ કરી દેવામાં આવ્યું છે. દુર્ગાપુર, રાઉકેલા બુધવાર સુધી બંધ કરવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.