Abtak Media Google News

ગુજરાત રાજય સરકારે પ્રિ-પ્રાઈમરી બાળકો માટે રોજ ૩૦ મિનિટનું ઓનલાઈન શિક્ષણ જયારે ધો.૧ થી ૮ માટે ૪૫-૪૫ મિનિટનાં બે ઓનલાઈન કલાસ અને ધો.૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે ૩૦ થી ૪૫ મિનિટનાં ૪ સેશનની પરવાનગી આપી છે

કાયદા અનુસાર શિક્ષણ લેવું તે વિદ્યાર્થીઓનો જન્મસિદ્ધ અધિકાર છે પછી શિક્ષણ આપવા માટેનાં માધ્યમો અનેકવિધ હોય શકે છે. હાલનાં સમયે ઓફલાઈન કલાસની બદલે ઓનલાઈન કલાસનું જે ચલણ જોવા મળી રહ્યું છે તેનાથી અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે. કયાંકને કયાંક ધો.૨ થી નીચેનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે દબાણ ન કરી શકાય તેવી પણ વાત સામે આવી છે પરંતુ ગુજરાત રાજય સરકાર દ્વારા જે જાહેરાત અને જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે, પ્રિ-પ્રાઈમરીમાં અભ્યાસ કરતા બાળકો માટે દરરોજ ૩૦ મિનિટનું ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.

એવી જ રીતે ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા બાળકો માટે ૪૫-૪૫ મિનિટનાં બે ઓનલાઈન કલાસનું પણ આયોજન કરવાનું જણાવાયું છે તથા ધો.૯ થી ધો.૧૨માં અભ્યાસ કરતા અને ઓનલાઈન કલાસનો લાભ લેતા વિદ્યાર્થીઓ માટે ૩૦ થી ૪૫ મિનિટનાં ચાર ઓનલાઈન સેશનનું આયોજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ઓનલાઈન શિક્ષણને લઈ શાળા તથા વાલીઓને રાહત મળી રહે તે માટે બોમ્બે હાઈકોર્ટે રાજય સરકારને તાકિદ કરતા જણાવ્યું છે કે, સરકાર કોઈપણ પ્રકારનાં નકારાત્મક પગલાઓ એ શાળા ઉપર ન લે કે જે ધો.૨ અથવા તેનાથી નીચેનાં વર્ગો માટે ઓનલાઈન લેકચરનું આયોજન કરતા હોય.

એવી જ રીતે સ્કુલોને પણ તાકિદ કરવામાં આવી છે કે જે બાળકો તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટે નનૈયો કરતા હોય તો શાળા તેને પણ જબરદસ્તી નથી કરી શકતી. જસ્ટીસ ઉજલ ભુયાન અને જસ્ટીસ એન.આર.બોરકરની ડિવિઝન બેંચ દ્વારા તાકિદ કરવામાં આવી છે અને જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા જે રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે તેનો જવાબ ૩ સપ્તાહમાં આપે. રાજય સરકાર દ્વારા ૧૫ જુનનાં રોજ જીઆર બહાર પાડવામાં આવ્યો હતો અને સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ધો.૨ થી નીચેનાં વર્ગનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસ માટે શાળા જબરદસ્તી ના કરી શકે.

બીજી તરફ રાજય સરકારનાં પરીપત્રમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓને ખુલ્લી મુકવામાં આવે જે ગામડામાં છેલ્લા એક માસમાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાયો હોય.

અંતે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ઓનલાઈન શિક્ષણ કે પછી ઓફલાઈન શિક્ષણ દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાનો અબાધીત અધિકાર છે જેને કોઈપણ નકારી શકતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.