Abtak Media Google News

પૃથ્વીનુ વધતું જતુ તાપમાન દરિયાઇ સપાટી પર સૌથી વધુ અસર કરશે, મુંબઇ, ચેન્નઇ, કોચી, કોલકત્તા, સુરત, વિશાખાપટ્ટનમ જેવા દરિયા કાંઠાના શહેરોના અનેક વિસ્તારો ડૂબી જાય તેવી ભિતી

સમગ્ર વિશ્ર્વમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટેની ચર્ચા-વિચારણા મથામણ અને આયોજન થઇ રહ્યું છે. આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ રાખવા પ્રયત્ન થઇ રહ્યાં છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ હવામાન વિભાગે સોમવારે જાહેર કરેલાં એક અહેવાલમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે આગામી 20 વર્ષમાં પૃથ્વીનું તાપમાન 1.5 ડીગ્રીની લક્ષ્મણ રેખા ઓળંગીને અનેક વિઘાતક પરિસ્થિતિનું નિર્માણ બનશે.

20 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા બેકાબૂ બની જશે અને પૃથ્વીનું તાપમાન વધી જતાં આવનારા ઘાતક બદલાવમાં લૂ ના વાયરા, ઋતુચક્રમાં ફેરફાર અને તેનાથી શિયાળા, ઉનાળા અને ચોમાસામાં વધઘટની સાથેસાથે દરિયાઇની સપાટીમાં ધરખમ વધારો થવાની ભિતી ઉભું થઇ છે. હાલમાં ભારત સહિતના અનેક દેશો વિસમ વાતાવરણનો આડ અસરોનો સામનો કરી રહ્યાં છે.

જેમાં હિમાયલના પ્રદેશોમાં હિમ નદી અને સરોવરો ફાટવાની વારંવાર પુર્નાવર્તન થવાની ઘટના ઉપરાંત ઉનાળામાં તાપમાનમાં વધારો ઉનાળાની ગરમીમાં ફેરફાર, વરસાદની વધઘટ, દરિયામાં હવાના દબાણના કારણે વારંવાર આવતા વાવાઝોડા, સુનામી અને ધરતીકંપ જેવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે.

આઇ.પી.સી.સી. દ્વારા જારી કરવામાં આવેલાં અહેવાલમાં પ્રથમવાર વૈશ્ર્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉભી થયેલી ઘાતક અસરોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં જ 7,517 કિ.મી. લાંબા દરિયાકાંઠાના વિસ્તારોમાં મુંબઇ, ચેન્નઇ, કોચી, કલકત્તા, સુરત અને વિશાખાપટ્ટનમ સુધીના બંદર વિસ્તારમાં આવેલા શહેરો પર ગરમીની સૌથી વધુ ખરાબ અસર થશે.

આ શહેરી વિસ્તારમાં વરસાદના પાણીની સાથેસાથે દરિયાઇ સપાટી વધી જવાની ભીતીથી અનેક વિસ્તારો ડૂબમાં જાય તેવા સંકેતો મળી રહ્યાં છે. આ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત સહિત 195 દેશોમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પ્રયત્ન થઇ રહ્યાં છે પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ દેશમાં ગ્રીન ગેસનું ઉત્સર્જન શૂન્ય સુધી લઇ જવાનું લક્ષ્ય રાખ્યું છે પરંતુ તેમાં અનેક પડકારો ઉભા છે.

વિશ્ર્વમાં જે રીતે હવામાન બદલાઇ રહ્યું છે તેનાથી ભારે વરસાદ, પૂર, દુકાળ અને સુનામી જેવી આફતો હવે દિવસે-દિવસે વધતી જશે. વાતાવરણ એકદમ ગરમ થવાથી હિમાયલ અને ઉત્તર આર્કિટેકના બરફ પીગળવાની ઘટનાઓ વધતી જાય છે અને તેનું પ્રમાણ આગામી 20 વર્ષમાં ભયજનક સ્તરે પહોંચી જશે.

વિશ્ર્વમાં અત્યારે પેટ્રોલીયમ, બળતણનો ઉપયોગ, કપાતા જતાં જંગલોના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિરંતર રીતે બેકાબૂ બની રહી છે. જો સમય સુચકતા રાખીને ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટે પગલાં નહીં ભરાય તો આગામી 20 વર્ષમાં પૃથ્વી ધગધગતો આફતનો ગોળો અને અનેક વિસ્તારોમાં વિનાશક પરિસ્થિતિનું નિર્માણ થઇ જશે. જેમાંથી આપણે પણ બાકાત નહી રહીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.