કેશોદ:ટ્રેક્ટરના ફેરા બાબતે યુવક પર જીવલેણ હુમલો, ગામલોકો એકઠા થતાં આરોપીઓ કાર મૂકી ભાગ્યા

કેશોદ, જય વિરાણી:

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પૈસાની ઉઘરાણી બાબતે એક શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન શખ્સે રાડારાડી કર્યું એટલે પેલા હુમલાખોરો નાસી ગયા. કેશોદ તાલુકાનાં પાડોદર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં રામશીભાઈ છગનભાઈ ડેરને ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી દવાખાને લાવવામાં આવ્યાં હતાં. ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રોડનાં કામમાં ટ્રેકટરનાં ફેરા બાબતે બાકી નીકળતાં પૈસા બાબતે મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું.

કેશોદ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, કેશોદ તાલુકાના સરોડ ગામે રોડનાં ચાલતાં કામમાં મેટલ મોરમ નાંખવાના કામગીરી માટે તેમનું ટ્રેકટર ભાડે રાખવામાં આવેલું હતું. ટ્રેકટરનાં ફેરાનાં પૈસા માટે વારંવાર ઉઘરાણી કરતા રામશીભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.

માળીયા હાટીના તાલુકાના ધરમપુર ગામનાં ગોવિંદભાઈ દેવાભાઈ સોલંકી અને અરવિંદ,સતીષ તથા એક અજાણ્યો શખ્સ ફોર વ્હીલ કાર GJ-05-JQ-6399 લઈને રામશીભાઈના ખેતરે પહોંચી લોખંડનાં પાઈપ તથા ધોકાઓ સાથે હુમલો કર્યો હતો. ત્યારે રામશીભાઈ રાડારાડ કરતાં હુમલાખોરો ફોર વ્હીલ કાર મુકીને નાસી ગયા હતાં. કેશોદના પાડોદર ગામે ટ્રેકટરનાં ફેરાની ઉઘરાણી બાબતે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેશોદ પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.