Abtak Media Google News

કોરોના મહામારીના કારણે વિશ્વ આખું હતપ્રત થઈ ઉઠ્યું છે. કપરાકાળની આર્થિક, સામાજિક એમ તમામ ક્ષેત્રે નકારાત્મક અસરો ઉપજી છે. વેપાર-ધંધાને આંશિક બ્રેક લાગતા ધંધાર્થીઓને મોટી નુકસાની વેઠવી પડી રહી છે. એમાં પણ જો કોઈ વર્ગ વધુ પીસાતો હોય તો તે છે મધ્યમ વર્ગ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉધોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કામદારોને વધુ હાલાકી પડી રહી છે. એમાં પણ હાલ કોરોનાએ ફરી માથું ઊંચકતા વેપાર-ધંધાને પુન: મોટી બ્રેક લાગે તેવી દહેશત ઉભી થઇ છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે હાલ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડામાં વેપારીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. મહીસાગર જીલ્લામાં કોરોનાના વધતા કેસને કારણે દુકાનો બંધ કરાતા રોજી-રોટીને લઈ વેપારીઓમાં ડર પેસ્યો છે. કોરોના તો ઠીક પણ એનાથી મોટો ડર રોજી-રોટી છીનવાઈ જવાનો ઉભો થયો છે. દુકાનો બંધ કરવાના તંત્રના નિર્ણયના વિરોધમાં આશરે લુણાવાડાના 100થી વધુ વેપારીઓએ ભૂખ હડતાલ શરૂ કરી છે.

લુણાવાડાની બજારો વચ્ચે નીચે બેસી વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે જાણ થતાં વહીવટી તંત્ર તેમજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. લુણાવાડાની મુખ્ય બજાર અને શાકભાજી માર્કેટમાં ત્રણ થી ચાર કેસ કોરોના પોઝિટીવ આવતા 300 જેટલી દુકાનો શીલ કરાઈ હતી. પરંતુ આ બાબતે વેપારીઓએ વિરોધ દાખવ્યો છે. તેમનું કહેવું છે કે જે જે દુકાનોમાં કામદારો અથવા વેપારીઓ કોરોના પોઝિટીવ નોંધાયા છે તેમની જ દુકાનો શીલ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી જઈ રહેલા કેસને અટકાવવા ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ વધારી દેવાયો છે તો શાળા-કોલેજો પૂન: બંધ દેવાઈ છે. ઘણાં શહેરો અને ગામડાઓમાં કોરોનાના વધતા સંક્રમણને નાથવા સ્વયંભૂ લોકડાઉન પણ જારી કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.